આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિએ હવે તેજ રફ્‌તાર પકડી છે. દિવાળી પછી રોજે રોજ રોકેટગતિએ કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. આજે ફરી એકસાથે ૨૮ પોઝિટિવ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે આણંદશહેરમાં ૨૧, બોરસદમાં ૩, પેટલાદમાં ૩ અને સોજિત્રામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયા હતાં! જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૭૮૮ થઈ ગયો છે! 

આણંદ જિલ્લામાં બીજી લહેર શરૂઆત થઈ હોય તેમ માત્ર એક જ સપ્તાહમાં જિલ્લામાં નવા ૨૨૯ કેસો નોંધાયો છે. બુધવારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના ૩૨ કેસો નોંધાયા હતાં. ઉમરેઠમાં ૧૪ અને આણંદ શહેર સહિત તાલુકામાં ૧૨ કેસ નોંધાયા હતાં. આ સાથે કુલ આંક ૧૭૬૦ પર પહોંચ્યો હતો. ગુરુવારે વધુ ૨૮ કેસનો ઉમેરો થતાં હવે કુલ આંકડો ૧૭૮૮ થઈ ગયો છે! આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણમાં હવે કોઈ બાકાત રહ્યું નથી, તેમ ધીમે ધીમે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. બુધવારે આણંદ જિલ્લામાં વધુ ૩૨ નવાં સંક્રમિત દર્દીઓ નોંધાયાં હતાં, જેમાં ઉમરેઠમાં ૧૪, આણંદમાં ૧૨, બોરસદમાં ૫ અને આંકલાવમાં ૧ સામેલ છે, જ્યારે ગુરુવારે એકસાથે ૨૮ પોઝિટિવ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે આણંદશહેરમાં ૨૧, બોરસદમાં ૩, પેટલાદમાં ૩ અને સોજિત્રામાં ૧ પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

સુંદરણા પછી હવે બોરસદના બદલપુરમાં અચોક્કસ આંશિક લોકડાઉન!!

વૈશ્વિક મહામારી બની ગયેલી કોરોના વાયરસનુ સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આણંદ જિલ્લાના ગામેગામ કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. તા.૨૫ નવેમ્બરથી પેટલાદના સુંદરણા ગામે ૩ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. આજે વર્તમાન સંજાેગોને અનુરૂપ બોરસદના બદલપુર ગ્રામ પંચાયત દ્વારા અચોક્કસ મુદત માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામના નાના-મોટાં તમામ બજારો અને દુકાનો બપોરે એક વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવા માટે ર્નિણય લેવાયો છે. બપોરે એક વાગ્યા પહેલાં ગ્રામજનોએ પોતાની જરૂરિયાત મુજબ ચીજ વસ્તુઓ ખરીદવા સહિત વિવિધ કામો પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. તા.૨૫ના રોજ કોરોના સંક્રમણના વધુ ફેલાતું અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુંદરણા અને ગ્રામ પંચાયત દ્વારા ભેગાં મળીને તા.૨૫થી ૨૮મી નવેમ્બર દરમિયાન સ્વૈચ્છીક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસ દરમિયાન કોઇ પણ પ્રકારના દુકાનો ખોલી શકાશે નહીં. તેમજ ગ્રામજનોને પણ કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. અડોશપડોશમાં પણ માસ્ક પહેરીને જ બહાર નીકળવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોરોનાથી ચાર માસ પછી વધુ એક મોત : કુલ આંકડો ૧૭

સાવલીના ભાદરવા ગામના વતની અને પેટલાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ અને કોરોના વોરિઅર્સ રમેશવન ગોસ્વામી કોરોના ઝપેટમાં આવતાં કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું તા.૨૪ના રોજ નિધન થયું હતું. ચાર માસ બાદ કોરોનાથી વધુ એક મોત નીપજતાં કુલ આંક ૧૭ થયો છે.

પાલિકાએ ૮ વેપારીઓને દંડ ફટકાર્યો

આણંદ પાલિકા દ્વારા ટીમો બનાવી આણંદ સરદાર ગંજ, સ્ટેશન રોડ સહિત અન્ય બજારોમાં કોરોના ગાઇડલાઇન્સનો ભંગ કરી રહેલાં આઠ લોકો સામે કેસ નોંધી ૮ હજાર દંડ ફટકાર્યો હતો. આ કાર્યવાહીથી નિયમોનું પાલન નહીં કરતાં વેપારીઓ, દુકાનદારો સહિત ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.