આણંદ : તા.૨૮ ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્‍લામાં આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ, જિલ્‍લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ નગરપાલિકાની વોર્ડ નંબર એકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન થશે. આ ચૂંટણી દરમિયાન કોવિડ-૧૯ મહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે કોરોના સંક્રમિત મતદાર મતદાન કરવા માગતાં હોય તેને મતદાનના દિવસના એક દિવસ અગાઉ સંબંધિત વિસ્તારમાં ચૂંટણી અધિકારી અને સંબંધિત આરોગ્ય નોડલ અધિકારીને તે અંગે લેખિતમાં જાણ કરવાની રહેશે.

કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિ જે મતદાન કરવા માગતી હોય તેમણે મતદાનના છેલ્લાં કલાક દરમિયાન જ નિયત સમયે મતદાન માટે મતદાન મથકે પહોંચવાનું રહેશે. કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિ જેઓ હોસ્પિટલમાં છે અથવા હોમ આઇસોલેશનમાં હોય તેમણે પોતાની જવાબદારી ઉપર મતદાન મથકે સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા જણાવાયું છે.

કોરોના સંક્રમિત મતદારે સૌપ્રથમ તબીબી પ્રમાણપત્ર મતદાનના દિવસે એમબીબીએસ કે તેથી વધુ લાયકાત ધરાવતાં સરકારી કે સરકાર માન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મુજબ જે સ્વસ્થ છે, તેમને તબીબી પ્રમાણપત્ર સાથે સ્વખર્ચે મેડિકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે વાહન અથવા એમ્બ્યૂલન્સમાં પીપીઇ કિટ પહેરીને જ મતદાન મથકે છેલ્લાં કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે. પીપીઇ કિટ તબીબી અધિકારી દ્વારા આપેલ સૂચના મુજબ પહેરીને જવાનું રહેશે. પીપીઇ કિટ પહેરવાની તાલીમ તબીબી પ્રમાણપત્ર આપનાર અધિકારી પાસેથી મેળવી લેવાની રહેશે. તબીબી પ્રમાણપત્ર મુજબ, જેઓ સ્વસ્થ છે તેઓ મતદાન મથકો પર મતદાન માટે જઈ શકશે. કોવિડ-૧૯ પોઝિટિવ મતદાર માટે ઠરાવેલી આ કાર્ય પદ્ધતિ ઉપરાંત મતદારે આવા કિસ્સામાં પણ આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા વખતોવખત જાહેર કરેલાં પ્રોટોકોલ જાળવવાનો રહેશે.