આણંદ : ઉત્તર પ્રદેશના હાથરસમાં વાલ્મીક સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી પીડિતા સાથે ક્રૂર, બર્બરતા ભરેલાં ગુનાહિત કૃત્ય કરનારા આરોપીઓને ફાંસીને માચડે ચડાવોની માગણી સાથે આજે આણંદમાં જિલ્લા કોંગ્રેસે અને રૂદ્રાક્ષ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા પ્રદર્શનો યોજાતાં પોલીસે અટકાયત કરી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, આજે આણંદ શહેરમાં રુદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રેલવે ગોદી પાસેથી રેલી કાઢવાનો પ્રયાસ કરી વિરોધ પ્રદર્શન કરાતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે, પોલીસે મહિલાઓ સહિત છ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

રુદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાલ્મીક સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રેલવે ગોદી પાસે આજે મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ રેલી કાઢવાનો પ્રયાસ કરાયો હતો. જાેકે, મંજૂરી વિના રેલી કાઢવા જતાં પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવાનો પ્રયત્ન કરાયો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે પોલીસે કિરણભાઈ સોલંકી, સંગીતાબેન વાઘેલા, કોકીલાબેન સોલંકી (ક્ષત્રિય સમાજ સુધારક સમિતિ), ગીતાબેન મહેશભાઈ શર્મા, માણેકબેન રમણભાઈ ચાવડા, રંજનબેન મહેન્દ્રસિંહ રાઠોડ, શ્વેતાબેન કેતનભાઈ પંચાલ, મીનાબેન વસંતલાલ વસાવા સહિત વિવિધ કાર્યકરોની અટકાયત કરી તેઓને ટાઉન પોલીસ મથકે લઈ ગયાં હતાં.

ટાઉન પોલીસે અટકાયત કરાયેલાં કાર્યકરોને મુક્ત કર્યા બાદ રુદ્રાક્ષ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બળાત્કાર અને અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ ઉત્પીડન, મહિલા ઉત્પીડન કાયદા હેઠળ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરી હતી.

આ અંગે કાર્યકરોએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતાં ભારત દેશમાં છેલ્લાં કેટલાંક સમયથી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને જાતિગત ઉત્પીડન, મહિલાઓ ઉપર અત્યાચાર, બળાત્કાર, શોષણ, હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. આ અંગે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગ કરી હતી. તેમજ પોલીસ દ્વારા તેઓને શાંત વિરોધ કરતાં અટકાવી બંધારણીય આપેલાં હક્કનું હનન કર્યું હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન આણંદ શહેરમાં અમૂલ ડેરી પાસે આજે કોંગ્રેસ દ્વારા ધરણાં કરી હાથરસમાં બનેલી ઘટનાનો મૌન વિરોધ કર્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તેઓને ટાઉન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. શહેરમાં અમૂલ ડેરી પાસે આજે હાથરસમાં બનેલી સામુહિક દુષ્કર્મ અને પછાત જાતિની યુવતીની હત્યાનો ઘટનાનો વિરોધ કરી પ્લેકાર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જાેકે, ધરણાં કરતાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર, શહેર પ્રમુખ અલ્પેશ પઢીયાર, મહિલા અગ્રણી ઈશ્વરીબેન શર્મા, લઘુમતી મોરચાના પ્રમુખ યુનુસભાઈ મુખી, કાઉનસિલર સલીમશા દિવાન, પલક વર્મા, મીનાબેન ડાભી, સીરાજશા દિવાન, સહિદાબેન વ્હોરા, વીરેન્દ્ર સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ ઠાકોરભાઈ, જલ્પાબેન શર્મા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સરલાબેન પટેલ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બાદમાં બધાને મુક્ત કરાયાં હતાં.