વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સતત ૨૫-૨૫ વર્ષથી એકધાર્યા મળતા શાસનને લઈને છાકટા અને બેફામ તથા સ્વચ્છન્દી બની ગયેલા શાસકો પાલિકા હસ્તકની મિલકત પ્રજાની નહિ પરંતુ બાપની જાગીર હોય એવી રીતે એનો મનસ્વી રીતે વહીવટ કરી રહયા છે. જેઓ દ્વારા વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં અવ્વલ ગણાતા મુઠ્ઠીભર કોર્પોરેટ શૈક્ષણિક ટ્રસ્ટો હસ્તકના શાળા સંચાલકો પાલિકાનો ખજાનો લૂંટવામાં પણ અવ્વલ સાબિત થઇ રહયા છે. જેઓ અગાઉ ભાડાપટ્ટે આપેલ જમીનોના બાકી લહેણા ચૂકવ્યા વિના અત્યાર સુધીની વિક્રમજનક ૯૯ વર્ષના ભાડા 

પટ્ટાની મુદ્દત લંબાવવામાં સફળ રહયા છે. આ શૈક્ષણિક ગૃહો સામે રૂપિયા ૪૫ કરોડની વસુલાત કરવાને માટે રજૂઆત આરએસપી દ્વારા વારંવાર પાલિકાના શાસકોને રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરીને સામી ચૂંટણીએ કોર્પોરેટ શૈક્ષણિક ગૃહો પાસેથી તગડું ચૂંટણી ફંડ મેળવવાનો શાસકો દ્વારા ખેલ ખેલાયો હોવાનું ચર્ચાય છે. જે અંગેના કામને આગામી સામાન્ય સભામાં છેલ્લી ઘડીયે ઉમેરાયેલા પાછલા બારણાના કામમાં બહાલી આપવાનો શાસકો વિપક્ષોના વિરોધ અને ઉહાપોહ વચ્ચે બહુમતીના જોરે સફળ પ્રયાસ કરશે. આ માટેનું કામ આગામી ચોથી ડિસેમ્બરના રોજ શહેરના મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે મળનાર સામાન્ય સભામાં મંજુર કરી દેવાશે. જેમાં વર્ષોની બાકી રૂપિયા ૪૫ કરોડની વસુલાતની રજૂઆત છતાં આંખ આડા કાન કરીને સામી ચૂંટણીએ કોર્પોરેટ શૈક્ષણિક ગૃહો પાસેથી તગડું ચૂંટણી ફંડ મેળવવાનો ખેલ ખેલાયો છે.

આ કામમાં ઉદય એજ્યુકેશન સોસાયટી, કેળવણી ટ્રસ્ટ અને ઘી ગુજરાત ન્યુ એરા એજ્યુકેશન ટ્રસ્ટને સ્કૂલ માટે ફાળવેલ પાલિકાની માલિકીના ટીપી સ્કીમ હેઠળની જમીનના દરખાસ્તમાં સૂચવેલ વિકલ્પો પૈકી ર્નિણય થવા અથવા તો સ્થાયી સમિતિ તેમજ સમગ્ર સભા અન્ય કોઈ ર્નિણય સૂચવે તે મુજબ નવીન ભાડાપટ્ટાની મુદ્દત તેમજ ભાડાની રકમ વસુલ કરવા અંગે ર્નિણય કરાશે. એ મુજબનો અમલ કરવાની મંજૂરી આપવાની તથા હવે પછીના આ કામ સબંધી તમામ કાર્યવાહી કરવાની સત્તા પાલિકાના વહીવટી પાંખના વડા એવા કમિશ્નરને સોંપાશે. આ બાબતે સ્થાયી સમિતિએ ગત તારીખ ૯મી નવેમ્બરના રોજ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં ઉદય એજ્યુકેશન સોસાયટી, કેળવણી ટ્રસ્ટ અને ઘી ગુજરાત ન્યુ એરા એજ્યુકેશન ટ્રસ્ટની પાસેથી વર્ષ ૨૦૦૮થી માર્ચ ૨૦૨૦ સુધીનું ભાડું વર્ષ ૨૦૧૨ની જંત્રીને લઈને સરકારના પરિપત્ર મુજબ પ્રીમિયમના ૫૦ ટકા રકમની ઉપર છ ટકા પ્રમાણે લેવાનું તથા રીન્યુઅલ તારીખથી દર વર્ષે આ ભાડામાં ત્રણ ટકા પ્રમાણે સૂચિત વધારો કરી વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તેમજ વર્ષોવર્ષથી ન ભરેલા ભાડા પર કોઈપણ પ્રકારનું વ્યાજ લેવાનું નથી એવો પણ વિવાદાસ્પદ ર્નિણય કોર્પોરેટ શૈક્ષણિક ગૃહોના ટ્રસ્ટોને માટે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ જમીનો વધુ ૯૯ વર્ષના ભાડાપટ્ટે માગણી મુજબ જમીન આપવાના કામે વર્ષ ૨૦૧૮માં ચાલુ જંત્રીના દરથી ૯૯ વર્ષના ભાડાપટ્ટે માગણી મુજબ જમીન આપવાનો વિવાદાસ્પદ ર્નિણય લઈને બહુમતીના જોરે ઠરાવ પણ કરી દેવાયો છે. આમ સામી ચૂંટણીએ ચૂંટણી ફંડ મેળવવાને માટે વધુ એક ગોઠવણ સત્તા અને બહુમતીના જોરે શાસકોએ કર્યાનું ચર્ચાય છે.

કયા ટ્રસ્ટના કેટલાં લેણાં બાકી અને કેટલી જમીન ૯૯ વર્ષ માટે અપાશે

પાલિકા દ્વારા શૈક્ષણિક ટ્રસ્ટોની જમીનોના ભાડાની વર્ષ ૨૦૦૮-૦૯થી બાકી રકમની જે રીતે ગણતરી કરવામાં આવી છે. એ મુજબ ઉદય એજ્યુકેશન સોસાયટી પાસેથી ટીપી -૨ ના ફાયનલ પ્લોટ નંબર ૫૬૬ની ૧૧૬૨૦ ચોરસ મીટર જમીનના રૂ.૧,૩૫,૯૫,૪૦૦ બાકી નીકળે છે. જેમાં રીન્યુ તારીખથી દર વર્ષે ભાડામાં ત્રણ ટકાનો વધારો કરતા વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં કુલ ભાડાની રકમ રૂ.૧૫,૫૮,૫૬,૦૨૯ થાય છે. આજ પ્રમાણે કેળવણી ટ્રસ્ટના ટીપી-૧ના ફાયનલ પ્લોટ નંબર ૧૯૨ની ૧૩૧૧૨ ચોરસ મીટર જમીનને માટે આજ ગણતરી મુજબ કુલ ભાડાની રકમ રૂ.૧૭,૬૯,૯૫,૧૮૮ બાકી નીકળે છે. આજ ગણતરીએ ધ ગુજરાત ન્યુ એરા એજ્યુકેશન ટ્રસ્ટ પાસેથી રૂ.૬,૭૯,૮૭,૧૧૯ બાકી નીકળે છે. આમ ત્રણે પાસેથી કુલ અંદાજે રૂપિયા ૪૦ કરોડ જેટલી રકમ બાકી નીકળે છે. જે આપવા માટે લાંબા સમયથી વિવિધ અતિગંદા કરીને ટ્રસ્ટો શાસકોને હાથમાં રાખીને સમય ખેંચી રહયા છે.