આણંદ : આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે આવેલાં ડો. વર્ગીસ કુરિયન સેન્ટર ઓફ એક્સેલન્સના ઉપક્રમે તાજેતરમાં ડાયાબિટીસ જેવાં રોગોમાં દૂધ અને ડેરી પ્રોડ્‌કટસની ભૂમિકા અંગે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ડો.મોહન ડાયાબિટીસ સ્પેશ્યાલિટીઝ સેન્ટરના ચેરમેન અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન ચેન્નાઈના પ્રેસિડેન્ટ ડો.વી.મોહનના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૨૧ ડો. કુરિયનની જન્મ શતાબ્દિ વર્ષ તરીકે મનાવાઈ રહ્યું છે. આ પ્રસંગે ભારતીય ડેરી ઉદ્યોગમાં તેમનાં પ્રદાનને યાદ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ડો.મોહન દ્વારા યોજાયેલાં પ્રવચનમાં પૌરાણિક માન્યતાઓ અને આધુનિક વિજ્ઞાનને ટાંકીને દૂધના તમામ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હિંદુ પુરાણો અનુસાર કામધેનુ ઈચ્છા પૂરી કરતી ગાય હતી. બાળક તરીકે ભગવાન કૃષ્ણને માખણ પ્રિય હોવાથી માખણચોર તરીકે ઓળખવામાં આવતાં હતાં. ડો મોહને દૂધની અને ડેરી પ્રોડક્ટસની સારપ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સદીઓથી દૂધથી આરોગ્યને થતાં લાભ પૂરવાર થયેલાં છે, તેમાં કોઈ શંકા નથી. દૂધનાં કેટલાંક પોષણલક્ષી ફાયદાઓનો ઉલ્લેખ કરીને તથા એ-૧ અને એ-૨ દૂધ અંગેની આશંકાઓ દૂર કરતી ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને અન્ય જીવનશૈલીના રોગો અંગે કેટલાંક વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનમાં ડેરી આહાર સાથેનો સંબંધ દર્શાવાયો છે.

તેમણે બ્રિટીશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનને ટાંકીને જણાવ્યું હતું કે, ૧૦થી વધુ સંશોધન અભ્યાસમાં જણાવાયું છે કે દૂધ, યોગર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટસ મેટાબોલિક સિન્ડ્રોમ અને તેનાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવાં સિન્ડ્રોમ નિવારે છે. આ સાથે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વધુ પ્રમાણમાં યોગર્ટ લેવાથી ટાઇપ-૨ ડાયાબિટીસ સાથે સંકળાયેલાં જાેખમો ઓછા થાય છે. ત્યારબાદ ડો.મોહને વર્ષ ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલાં તેમનાં ડાયેટરી, કાર્બોહાઇડ્રેટસ, ગ્લેકેમીક લોડ, ફૂડ ગ્રૂપ્સ અંગે ચેન્નાઈમાં થયેલાં અભ્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસ થવાની સંભાવના લગભગ ૫૦ ટકા જેટલી ઘટી જાય છે. આથી ઊલટું, વધુ પ્રમાણમાં રિફાઇન્ડ અનાજ (પોલિશ્ડ વ્હાઇટ રાઇસ) સાથે ટાઇપ-૨ ડાયાબિટીસનું વધુ જાેખમ સંકળાયેલું છે.

તેમનાં ૧૦ વર્ષના અભ્યાસના પરિણામો અંગે વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટાઇપ-૨ ડાયાબિટીસમાં ડેરી પ્રોડક્ટસ સુરક્ષાની કામગીરી કરે છે. સમારંભના અંતમાં ડો.મોહને જણાવ્યું હતું કે, ડેરી પ્રોડક્ટસના વપરાશથી ડાયાબિટીસ ઓછો પ્રસરે છે તથા મેટાબોલિક સિન્ડ્રોમ, હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, સ્ટ્રોક અને મૃત્યુ દરમાં પણ ઘટાડો થઈ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ડેરી પ્રોડક્ટસના વપરાશને અને ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતાં દેશોએ કે જ્યાં આહારની ગુણવત્તા નબળી છે ત્યાં પ્રોત્સાહન આપવું જાેઈએ. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું છે ત્યાં દૂધ અને ડેરી પ્રોડ્‌કટસ પ્રોટીન અને કેલ્શિયમનો સ્ત્રોત બની રહે છે.

આ સમારંભના પ્રારંભમાં ઈરમાના એક્ટિંગ ડિરેક્ટર ડો.શાશ્વત બિશ્વાસે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. વર્ગીસ કુરિયન સેન્ટર ફોર એક્સેલન્સના ચેરપર્સન અને ઇન્ડિયન ડેરી એસોસિએશનના ચેરમેન ડો.જે.બી. પ્રજાપતિએ વક્તાનો પરિચય આપ્યો હતો અને સમગ્ર સમારંભનું સંચાલન કર્યું હતું.