વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ૧૩ જેટલા સેનેટ અને સિન્ડીકેટ સભ્યોએ ધારાસભ્ય કેતન ઇનામદારને યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગેરરીતીઓ થઇ હોવાનો આક્ષેપ કરતી લેખિત ફરિયાદ કરી હતી.જેથી આ અંગે સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે.અને યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે તપાસ સમિતિની નિમણૂંક કરવા માગણી કરી છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને સરકાર નિયુક્ત સેનેટ સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દોઢ વર્ષ પહેલાં ટીચર્સ તથા નોટિચીંગ સ્ટાફની ભરતી બાબતે ત્રુટીઓ સામે આવતા સરકાર દ્વારા ભરતી બંધ કરાવવામાં આવી હતી. પરંતુ, તાજેતરમાં સરકારના આદેશાનુસાર પુનઃ ઓગષ્ટ માસથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિર્ટીના અલગ-અલગ વિભાગોમાં ૧૦૦થી વધુ જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૭ જ જગ્યાઓ ભરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિન્ડીકેટ અને સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના સત્તાધિશો પાસે ભરતી પ્રક્રિયાની માહિતી માગવામાં આવી હતી. પરંતુ, તેઓને માહિતી આપવામાં આવી ન હતી. આથી આ ભરતી પ્રક્રિયામાં કંઇક ખોટું થયું હોવાનું જણાઇ આવે છે. ભરતી પ્રક્રિયામાં વાહલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનું જણાય છે. જાે સમગ્ર યુનિવર્સિટીમાં ભરતી કરવાની હોય તો ચોક્કસ વિભાગોની જગ્યાઓ માટે જ કેમ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે ? તે પણ એક સવાલ છે.ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની તપાસ માટે તપાસ સમિતિની નિયુક્તી કરવા માટે અને તપાસ દરમિયાન જાે ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે.મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ૧૦૦ જેટલી જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રીયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તે સાથે સિન્ડીકટ સભ્યો તેમજ સરકાર નિયુક્ત સેનેટ સભ્યો તેમજ ટીચર્સ સેનેટ સભ્યો દ્વારા પણ મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરતી રજૂઆત સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને કરી હતી.ત્યારબાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ ભરતી પ્રક્રિયાની તપાસ કરવાની માગણી કરતો પત્ર લખતા યુનિવર્સિટીમાં ચકચાર મચી ગઇ છે.