વડોદરા, તા.૧૫ 

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા એફડીઆઇ નિતી અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. આ અંગે અનેક રજૂઆત છતા કોઇ કાર્યવાહી કરાઇ નથી જેથી દેશભરમા નાના વ્યાપારીઓ માટે ઓનલાઇન વેપાર ગતિવિધીઓ સાથે જાેડાવા અને ડિજીટલ કોમર્સમા આત્મનિર્ભર બનવાના લક્ષ્યમાં અવરોધ બની ગયું છે ત્યારે આ અંગે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સંદર્ભે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા પ્રધાનમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ડિજીટલ ઇન્ડિયા અપનાવવા માટે આવ્હાન બાદ દેશ ભરના વેપારીઓએ કૈટના દેશ વ્યાપી અભિયાન અંતર્ગત ડિજીટલ કોમર્સને અપનાવ્યું છે. જાેકે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓએ તેમના અસીમીત સંસાધનોના જાેરે સરકારની એફડીઆઇ નિતી અને સબંધિત કાયદાઓનું ઉલ્લઘંન કરીને દેશના ઇ-કોમર્સ વ્યવસાય અને કરોડો રીટેલ વેપારી કરી રોજી રોટી કમાતા વેપારીઓને બર્બાદ કરવા તેમજ દેશના રીટેલ વેપાર પર પોતાનો અધિકાર જમાવવા માટે કસર રાખી નથી. આ અંગે અનેક રજૂઆતો છતા કોઇ સખ્ત કાર્યવાહી નહી કરાતા દેશભરના નાના વેપારીઓ માટે ઓનલાઇન વેપારીક ગતિવિધિઓ સાથે જાેડાવવા તેમજ ડિજીટલમા આત્મનિર્ભર બનવાના લક્ષ્યમા અવરોધ બની ગયું છે.

અને ઇ-કોમર્સ વ્યવસાયથી નાના વેપારીઓને ઘણુ નુકસાન થઇ રહ્યું છે ત્યારે ઇલોકલ પર ‘લોકલ પર વોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા યોગ્ય પગલા લેવાની માગ કરવામા આવી હતી. આ અભિયાનને દેશભરમા લોકો સુધી પહોંચાડવા અને નાના વેપારીઓ ઉપભોક્તા લોકો નિર્માતા અને સરકારી અધિકારીઓની એક સમિતિ બનાવવા રજૂઆત કરાઇ હતી.