વડોદરા, તા.૨૮ 

રાજ્ય સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડા કે પ્રસંગો માટે ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે ત્યારે મંદિર, પોળો, શેરીઓમાં ગરબા રમતી રપ-પ૦ કુંવારિયાઓ, ખેલૈયાઓને પરવાનગી આપવા માગણી કરાઈ છે, નહીં તો પાકિસ્તાનમાં યોજાતી નવરાત્રિમાં જવાની પરવાનગી આપો તેવી માગ કરાઈ છે.

કરણીસેનાના અરવિંદ સિંધાએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી, જે અંગે હાઈકોર્ટે આ અંગે સરકાર નિર્ણય કરશે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભે સરકારમાં રજૂઆત કરજાે તેમ કહ્યું હતું. તેથી પીઆઈએલ પરત ખેંચી હતી. અનલૉક-૪માં ૧૦૦ વ્યક્તિઓના ધાર્મિક, રાજકીય તેમજ લગ્નપ્રસંગને મંજૂરી આપવામાં આવી છે તેમજ હાલમાં જ બિહારમાં ચૂંટણીને પણ મંજૂરી આપવામાં આવી છે. મોટા ગરબા આયોજકોએ ગરબા મહોત્સવને રદ કર્યો છે તે બરાબર છે પરંતુ અનેક માતાજીની આસ્થા ધરાવતા ભક્તો મંદિર, પોળો, શેરીઓમાં ગરબામાં ર૦-રપ ગરબા ગાતી કુંવારિયાઓ, ખેલૈયાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સાથે ગરબા રમવાની મંજૂરી આપવા તેમજ રાજપૂત કરણીસેના, મહાકાલ સેનાના સભ્યોને ઘડિયાળી પોળ માતાજીના મંદિરે પુરુષોના ગરબા યોજાય છે તે ગરબામાં રાત્રે બે કલાક ગરબા રમવા મંજૂરી આપવામાં આવે તેવી માગ કરી છે. જાે ગરબા રમવાની મંજૂરી આપવામાં નહીં આવે તો પાકિસ્તાનના કરાંચીમાં ઉજવાતા ગરબા મહોત્સવમાં અને શક્તિપીઠ હિંગળાજ માતાજીના મંદિરે પ૦ સભ્યોને જવા મંજૂરી આપવામાં આવે તેવી માગ કરી છે.