વડોદરા,તા.૩  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭માં ત્રણ વર્ષ અગાઉ સંજયનગર ખાતે અંદાજે ૧૮૫૦ જેટલા કાચા પાકા મકાનો તોડી નાખીને પીપીપી ધોરણે આખો પ્રોજેક્ટ બિલ્ડરને ધરી દેવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટમાં લાભાર્થીઓ અને પાલિકાની તિજોરીને અંદાજે બે હજાર કરોડનું નુકશાન કરીને ભ્રષ્ટાચાર આચરીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.એવો આક્ષેપ કરીને કોંગ્રેસે ઉમેર્યું છે કે ભાજપના તળિયાથી શિખર સુધીના સૌ નેતાઓ ભ્રષ્ટાચાર આચરીને કૌભાંડ કરીને મૌન બેઠા છે. પાલિકાનો સંજયનગરમાં ૩૦૦ કરોડના ખર્ચ સામે ૧૫૦૦ કરોડના નુકશાનનો વેપાર કોના લાભાર્થે કરાયો ?એવો પ્રશ્ન ઉઠાવીને તેઓએ શાસકો અને તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.એની સાથોસાથ કોંગ્રેસ અને સંજયનગર વિકાસ સમિતિના નેતૃત્વમાં બાકી ભાડા અને મકાનની માગ સાથે પાલિકા કમિશ્નરની ગેરહાજરીમાં ડેપ્યુટી કમિશ્નર ધવલ પંડ્યાને આવેદનપત્ર આપ્યું છે. જેમાં સંજયનગરના પ્રશ્ને તાકીદે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે,અન્યથા જલદ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ, પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ -ભથ્થું,સંજયનગર વિકાસ મંડળ સમિતિના પ્રમુખ ભગવાનદાસ આહીર,મહિલા પ્રમુખ સીમાબેન રાઠોડ,સામાજિક કાર્યકર પ્રભુ સોલંકી સહિતનાના નેતૃત્વ હેઠળ પાલિકા કચેરી ખાતે સંજયનગરના પ્રશ્ને થાળી વેલણ વગાડી તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળા જગાવવાનો પ્રયાસ કરાયો હતો.આ પછી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સંજયનગરના કેટલાક રહીશો પાસે રહેઠાણના પુરાવાઓ,રેશનકાર્ડ વગેરે હોવા છતાં મકાનથી દૂર રખાયા છે.આ સંજોગોમાં બિલ્ડરનો કોન્ટ્રાકટ રદ્દ કરીને પાલિકા પ્રોજેક્ટ હાથ પર લે એવી માગ કરી છે.

પાલિકા જાતે પ્રોજેક્ટ કરે તો ૧૮૦૦ કરોડ કમાય

૧૬ લાખ ફૂટ જગ્યામાં બિલ્ડરને લાભ કરવા કાયદેસરની એફએસઆઈ મળે એની જગ્યાએ એક્સ્ટ્રા ૧એફએસઆઈ આપી. જેથી ૧૬ લાખ ફૂટ જગ્યા હોય તો બિલ્ડર ત્રણ એફએસઆઇનો ઉપયોગ કરે એનો મતલબ એ થાય કે ૪૮ લાખ ફૂટ એફએસઆઈ અને ૪૦% સુપર બિલ્ટ અપ ગણે તો બીજી ૧૯ લાખ એફએસઆઈ બિલ્ડરને વેપાર કરવા મળે.આનો સરવાળો કરવામાં આવે તો ૬૩ લાખ એફએસઆઈ વેપાર કરવા બિલ્ડરને મળે અને જો આ જ પ્રોજેક્ટ કોર્પોરેશન કરે તો ૧૮૦૦ લાભાર્થીઓને માત્ર ૧૫ લાખ એફએસઆઈમાં તેમના સપનાનું ઘર મળે અને બાકીની જમીન કોર્પોરેશન કોમર્શિયલ પ્રોજેક્ટ કરીને ૧૭૦૦ થી ૧૮૦૦ કરોડનો નફો કમાઈ શકે.