ઝઘડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા માર્ગોમાં મહત્વનો મનાતો અંકલેશ્વર - રાજપીપળા વચ્ચેનો ધોરીમાર્ગ ચ‍ાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા વ‍ાહન ચાલકો માટે હાલાકીનું નિર્માણ થયુ છે. ચ‍‍ાર માર્ગીય કામગીરી શરૂ થયા બાદ થોડો સમય તો કામગીરી સારી રીતે ચાલી, પરંતુ ત્યાર બાદ કામગીરી ખોરંભે પડતા જેજે સ્થળોએ રોડ બન્યો હતો. ત્યાં પણ મોટામોટા ગાબડાઓ પડીને માર્ગ ખોદાઈ જતા પરિસ્થિતિ વિકટ બની હતી. આ સમસ્યા ઝઘડીયામાંથી પસાર થતાં આ માર્ગ પર પણ સર્જાવા પામી હતી. બાદમાં કેટલાક સ્થળોએ ખોદાઈ ગયેલો માર્ગ દુરસ્ત કરવા માટે માર્ગ પર ડામર યુક્ત મેટલ પાથરવામાં આવ્યાં. પરંતુ ત્યાર બાદ પથરાયેલા મેટલો પર ડામર પાથરીને ડામર કાર્પેટીંગ કરવાની કામગીરી શરૂ કરાઇ નથી, તેથી પથરાયેલા મેટલો વાહનચાલકોને તકલીફ આપી રહ્યાં છે અને નુકશાન કરી રહ્યા છે. મેટલોમાં ઘણા મેટલો અણીદાર હોવાના કારણે તેનાથી વાહનોના ટાયરોને નુકશાન થવાની દહેશત છે.