છોટાઉદેપુર, તા.૩ 

છોટાઉદેપુર નગર ના વોર્ડ નંબર ૩ માં સ્ટેશન વિસ્તારમાં જવા માટે રેલવે નું ગરનાળું આવેલું છે. આ માર્ગમાં ગટરો ખુલ્લી હોવાથી રસ્તા ઉપર ગંદુ પાણી વહેતુ જોવા મળે છે. ગંદા પાણી ના વહેણ ને કારણે ઝાડી - ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેથી ત્યાંના રહીશોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંદા પાણી ની ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં માખી મચ્છરો નો ત્રાસ અસહનીય થઇ ગયો છે.

માર્ગ પરથી પસાર થતા વટેમાર્ગુઓને દુર્ગંધ અને ગંદા પાણી માંથી પસાર થવું પડી રહ્યું છે. આ ખુલ્લી ગટરોમાં માં વહેતા ગંદા પાણી ના કારણે ક્યારેક સાપ જેવા જાનવરો સ્થાનિક રહીશોના ઘરમાં ઘુસી જતા હોવાની પણ બૂમ ઉઠી છે. નગર પાલિકાના સત્તાધીશો આવનારી ચૂંટણીમાં વ્યસ્ત હોઈ પ્રજાની પ્રાથમિક જરૂરિયાત સફાઈ જેવી વ્યવસ્થા પણ કરી શકતી નથી. હાલ સમગ્ર દેશ જયારે કોરોના જેવી મહામારીથી બાથ ભીડતો હોય ત્યારે નગર પાલિકા એ તમામ વિસ્તારોમાં સફાઈ જેવી સુવિધાઓ પ્રત્યે સભાન રહેવું જ જોઈએ. પ્રજા ની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે. નગર પાલિકા ના ઉપપ્રમુખ આ જ વોર્ડ ના સદસ્ય હોવા છતાં આ પ્રજાએ ગંદકીનો સામનો કરવો પડે છે.