વડોદરા

સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કાની ભારતીય સ્વદેશી કોરોના રસીકરણનો પ્રારંભ ગઈકાલે તા.૧ માર્ચથી થઈ ચૂકયો છે, જે અંતર્ગત આજે બીજા દિવસે એટલે કે ર માર્ચના રોજ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સયાજી હોસ્પિટલ સહિત ૨૦ સેશનમાં કોરોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ર૦ સેશનમાં ૧૦૦ ટકાનો લક્ષ્યાંક હાંસલ થયો હતો. જેમાં ૭૬ લાભાર્થીઓએ કોવિડ-૧૯ની રસી મુકાવી હતી, જેમાં ૮ વેસલ ઉપયોગ થયો હતો.

ત્રીજા તબક્કાનો કોવિડ-૧૯ રસીકરણનો શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં ર માર્ચથી શરૂ કરાયેલ રસીકરણમાં વડોદરાના શીર્ષ અધિકારીઓ એવા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર પી.સ્વરૂપ અને શહેર પોલીસ કમિશનર સમશેરસિંગ સહિતનાઓએ કોરોનાની રસી મુકાવી હતી.

રસી લીધા બાદ શહેર-જિલ્લાના નાગરિકોને સ્વદેશી કોવિડ રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશો આપી લોકોને રસી લેવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા છે અને જણાવ્યું છે કે, વેક્સિન લઈને કોવિડ-૧૯ સામેની લડાઈમાં સહભાગી બનવું જાેઈએ તેમ ઉમેર્યું હતું. સયાજી હોસ્પિટલ સહિત અન્ય ર૦ સેશનમાં રસીકરણની હાથ ધરાયેલી કામગીરીને લઈને આ જ સેશનમાં ૧૦૦ ટકાનો લક્ષ્યાંક હાંસલ થયો હતો, જ્યારે સયાજી હોસ્પિટલમાં દિવસ દરમિયાન ૩૦૦થી ૩૫૦નો લક્ષ્યાંક હતો, તે ર૭પ સુધી પહોંચ્યો હતો.

સવારથી જાગૃત લોકો સયાજી હોસ્પિટલમાં કોરોનાની રસી લેવા માટે આવી પહોંચ્યા હતા અને રસી મુકાવવા માટે લાઈનો લગાવી હતી. જાે કે, સિસ્ટમને કારણે થોડા સમય માટે વિઘ્ન ઊભું થયું હતું. તે બાદ સિસ્ટમ અપડેટ થઈ જતાં દિવસ દરમિયાન રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જિલ્લાના આઠ તાલુકાઓ ડભોઈ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વડોદરા અને વાઘોડિયા ખાતે પણ રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ૪૧૨૭ના લક્ષ્યાંક સામે ૯૩૦ને રસી મુકવામાં આવી હતી, જ્યારે ૩૧૯૯ને રસી મુકવાની પેન્ડિંગ હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.