ગાંધીનગર

વિકસતા ગુજરાતે વિકાસ તરફ વધુ એક ડગલું ભર્યુ છે.આજે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.જે અંતર્ગત આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગનું લક્ષ્ય છે. તદઅનુસાર, ૧ લાખ ૧૦ હજાર ટૂ વ્હીલર, ૭૦ હજાર થ્રી વ્હીલર અને ર૦ હજાર જેટલા ફોર વ્હીલર આગામી ૪ વર્ષોમાં રાજ્યમાં આવશે તેવો અંદાજ છે

એટલે કે આગામી ચાર વર્ષમાં ર લાખ ઇલેકટ્રીક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે ૬ લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે.

રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. ૧૦ હજારની સબસિડી આપશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને ર૦ હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે તે જ રીતે થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી અને ફોર વ્હીલર માટે રૂ. ૧ લાખ પ૦ હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે.આ સબસિડીનો લાભ ૧.પ૦ લાખ સુધીની કિંમતના ટુ વ્હીલર, પ લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર અને ૧પ લાખ સુધીની કિંમતના ફોર વ્હીલરને મળવાપાત્ર થશે.

એટલું જ નહિ, આ સબસિડીની રકમ વાહન ખરીદનાર વ્યક્તિના બેંક ખાતામાં સીધી જ ડી.બી.ટી થી આપવામાં આવશે તથા સરળ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પોર્ટલ મારફતે ખૂબ જ ઓછા સમયમાં વાહન ખરીદનારને આવી સબસિડી મળી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ ની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે

- આવનારા ૪ વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવો

-ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ ગુજરાતને બનાવવું

- ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને પ્રોત્સાહિત કરવા

-વાહનોના ધૂમાડાથી થતું વાયુ પ્રદૂષણ અટકાવી પર્યાવરણ રક્ષા કરવી

-ઇ-વાહનોની બેટરીના ચાર્જીંગ માટે રાજ્યમાં હાલના ર૭૮ ઉપરાંત નવા રપ૦ ચાર્જીંગ સ્ટેશન સાથે કુલ પર૮ ચાર્જીંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર મળશે

- પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી અપાશે

- હાઉસીંગ અને કોમર્શીયલ બાંધકામોમાં ચાર્જીંગ વ્યવસ્થા ઊભી કરાશે

-ગુજરાતના આરટીઓ દ્વારા પાસ થયેલા ઇ-વ્હીકલને નોંધણી ફીમાંથી ૧૦૦ ટકા મુક્તિ

- ૪ વર્ષમાં ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે

- ઓછામાં ઓછું ૬ લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે

-ઇલેકટ્રીક ટુ વ્હીલર માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી-પ્રોત્સાહન ડીબીટી થી બેંક ખાતામાં જમા થશે

- દેશના અન્ય કોઇપણ રાજ્યો કરતા ગુજરાતમાં ઇ-વ્હીકલ માટે પ્રતિ કિલોવોટ સબસીડી બમણી અપાશે.

- પ્રાયવેટ કે કોમર્શીયલ વાહન કોઇ પણ વાહનના પ્રકારને ધ્યાનમાં લીધા સિવાય સબસિડી અપાશે

-ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના ફ્રેમ-ર અન્વયે મળતા પ્રોત્સાહનો ઉપરાંત રાજ્ય સરકાર ઇ-વ્હીકલ ખરીદનારને વધારાની સબસીડી-પ્રોત્સાહન આપશે