આણંદ : છેલ્લાં એક વર્ષથી દેશભરમાં કોરોનાના સંક્રમણના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી ફેબ્રુઆરીના જાહેર કરેલાં બજેટમાં આરોગ્યના મુદ્દે કરોડો રૂપિયાની જાેગવાઈ કરી છે, પણ સરકારને ક્યાં ખબર છે કે, આટ-આટલાં રૂપિયાની જાેગવાઈ પછી પણ છેવાડાંનો માનવી તો આરોગ્ય સેવાથી વંચિત જ રહે છે! આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવામાં સરકારના ધાંધીયા વચ્ચે હાલ કાર્યરત મિની સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં એક પખવાડિયાથી ટેલિફોન બંધ હાલતમાં છે! એકબાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે અને એહીં ટેલિફોન સુદ્ધાં ચાલતો નથી!

સૂત્રોના જણાવ્યાં અનુસાર, છેલ્લાં એક દાયકાથી આણંદને સિવિલ હોસ્પિટલ આપવાનું ગાજર સરકારે લટકાવી રાખ્યું છે. જાેકે, આમાં પાણી વગરની સ્થાનિક નેતાગીરી વધારે કારણભૂત છે. દર વખતે સરકાર લોલીપોલ આપે છે અને સ્થાનિક નેતાગીરી આ લોલીપોસ ચૂસીને સંતોષ માણી લે છે. બીજી બાજુ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ સાકાર ન થાય ત્યાં સુધી પાલિકા હસ્તકના દવાખાનાને રૂ.૭૫ લાખના ભાડાંથી હસ્તે કરી મિની સિવિલ કાર્યરત કરવામાં આવી છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, અહીંની મિની સિવિલમાં બાકીની આરોગ્ય સેવાની વાત તો જવા દો, છેલ્લાં પખવાડિયાથી ટેલિફોન પણ ચાલતો નથી. પરિણામે લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

જાેકે, આ મામલે રૂબરૂ તપાસ કરતા મેડિકલ અધિક્ષકની ખુરશી પણ ખાલીખમ જાેવાં મળી હતી. અન્ય કર્મચારીને પૂછતાં એક બીજાને ખો આપવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતાં. હાલમાં પંથકમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આણંદમાં સિવિલનો મામલો ગુંજતો રહેશે.