દ્વારકા-

 ખંભાળિયાથી એક હચમચાવી નાંખનારા સમાચાર આવી રહ્યાં છે. દ્વારકાનાં ખંભાળિયામાં વરસાદી પાણી ભરાતા એક ખાડો પાણીથી છલોછલ ભરાઇ ગયો હતો. આ ખાડામાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને એક આધેડ ડૂબવાથી ચારેવનાં મોત નીપજ્યા છે. આ ચારેવનાં મૃતદેહ ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં છે. આ સમાચાર મળતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકનું મોજુ છવાઇ ગયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ધરમપુર ગામ આવેલું છે. ખંભાળિયા ગામમાં એક ખાણ વર્ષોથી બંધ પડેલી છે અને જેમાં ચોમાસાના કારણે ખાડાની અંદર 15થી 20 ફૂટ જેટલું પાણી ભરાયું છે ત્યારે આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ ધરમપુર ગામમાં રહેતા 55 વર્ષના ભાણજી નકુમ અને તેમના ત્રણ ભત્રીજા જયદીપ નકુમ, ગિરીશ નકુમ અને રાજકિશોર નકુમ પાણીના ખાડામાં નાહવા માટે પડ્યા હતા.

અચાનક આવી દૂર્ઘટના ઘટતા પરિવાર અને આખા પંથકમાં જાણે આભ તૂટી પડ્યું છે. આ ગમગીન કરતા સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. હાલ પોલીસે આ મામલે ચારેવનાં મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.