અમદાવાદ,સરખેજ-ગાંધીનગર હાઇવે પર પસાર થતા સમયે પકવાન ચાર રસ્તા પર અનેકગણો ટ્રાફિક હોય છે. અત્યારે સૌથી વ્યક્ત ગણાતા જજીસ બંગલો રોડ અને સીંધુ ભવન રોડના ટ્રાફિકને કારણે સૌથી વધારે સમય અહીનાં ટ્રાફિક પોઇન્ટ પર રાહ જાેવી પડતી હતી.જાેકે, હવે વાહન ચાલકો માટે આ ઓવરબ્રિજના લોકાર્પણ થતા રાહત થશે. 

આજે અમિત શાહ પકવાન ચારરસ્તા પર બનેલા બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું. સાથે જ સરખેજ ચોકડી પર બનેલા ઓવરબ્રિજનું પણ અમિત શાહ ઈ-લોકાર્પણ કર્યું. નવા અમદાવાદ શહેરથી ગાંધીનગર જતા લોકો માટે પણ મોટી રાહત થશે. આ લોકોર્પણમાં ના.મુખ્યમંત્રી નીતિન પટેલ અને સીએમ રૂપાણી પણ જાેડાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં બન્ને ફ્લાય ઓવરનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે, આગામી સમયમાં સરખેજથી ચિલોડા સુધી ટ્રાફિક જંકશન વગર સીધા જ પહોંચી શકાય તેવો માર્ગ તૈયાર થવા જઈ રહ્યો છે. ભારતભરમાં ૫૦ કિલોમીટરના રસ્તા પર ક્યાંય પણ ટ્રાફિક જંકશન ના આવે એવી જગ્યા ઓછી હશે, કદાચ નોઈડા પછી પહેલીવાર દેશભરની અંદર આ વ્યવસ્થા આપણા ગુજરાતમાં ઉભી થવા જઈ રહી છે. ગુજરાતનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયો છે જેને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સારી રીતે આગળ વધારી રહ્યા છે જે સારી બાબત છે. પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભારતભરમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. બંદરોને ગુજરાત સાથે જાેડવાના હોય, તીર્થક્ષેત્રોને ગુજરાત સાથે જાેડવાના હોય, ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપને ગુજરાત સાથે જાેડવાની હોય, મોટા મોટા રેલવે સ્ટેશનનોને ગુજરાત સાથે જાેડવાના હોય, સાગર કિનારાને ગુજરાત સાથે જાેડવાના હોય તમામ બાબતોમાં ગુજરાત મોખરે છે.

હવે ઈસ્કોન ઓવરબ્રિજથી સીધા જ સોલા ઓવરબ્રિજ સુધી સરળતાથી પહોંચી શકાશે. એસ.જી.હાઈવે પર સૌથી મોટા બે ટ્રાફિક પોઈંટને ઓવરપાસ કરી શકાશે. સરખેજથી ચિલોડા સુધી ઓવરબ્રિજ પ્રોજેક્ટના ભાગરૂપે પહેલું મોટું કામ પૂર્ણ થયું છે. સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધી બની રહેલા ૬ ઓવરબ્રિજમાંથી બેનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેથી સૌરાષ્ટ્રમાંથી આવતા સરખેજ થઈને ગાંધીનગર જવા માગતા લોકોને પણ મોટી રાહત થશે. એટલું જ નહીં પણ જાહેર વાહનવ્યવહાર સેવાને પણ આ બે ઓવરબ્રિજના લોકાર્પણથી સમયની બચત થશે. અમદાવાદના સૌથી વધુ વાહન લોડ ધરાવતા એસ.જી.હાઈવેનું ટ્રાફિક ભારણ ઓછું થશે. સરખેજ ચોકડી પર ઓવરબ્રિજ ૩૬ કરોડના ખર્ચે બન્યો છે જ્યારે પકવાન ચાર રસ્તા પર ૩૫ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બન્યો છે. ૨૦૧૬માં ૮૬૭ કરોડના ખર્ચે એસ.જી.હાઈવે પર ૬ બ્રિજ બનાવવાના કામો મંજૂર થયા હતા. આ ઓવરબ્રિજ માર્ગ અને મકાન વિભાગના બજેટમાંથી બની રહ્યાં છે.