વડોદરા, તા.૨૩ 

વડોદરાના ભારત માતા મંદિર શ્રી મહારુદ્ર હનુમાન સંસ્થાન દ્વારા શ્રીરામ જન્મભૂમિ સમર્પણનિધિ અભિયાન માટે રૂા.૧૩ લાખની રકમ એકત્રિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ દાન નહીં, પરંતુ રામ જન્મભૂમિ માટે સમર્પણનિધિ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે ભારત માતા મંદિર શ્રી મહારુદ્ર હનુમાન સંસ્થાનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ગત અનેક વરસોથી અનેકવિધ રાષ્ટ્રીય, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે. આ વરસે દિવાળી નિમિત્તે વનવાસી આશ્રમના ૧૦૦ બાળકોને ૧ કિલો મીઠાઈ, ૧ કિલો ફરસાણ, ૧ જાેડી યુનિફોર્મ અને ૧ જાેડી ચપ્પલની ભેટ વિતરીત કરવામાં આવી હતી. માગશર મહિનામાં શુકલ યજુર્વેદ (કાણ્વ શાખા)ના ઘનપાઠ અને સંહિતા સ્વાહાકારનું ભવ્ય આયોજન કરાયું હતું. વેદ પ્રચાર યાત્રાના માધ્યમથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં આપણી ભુલાઈ ગયેલી સાંસ્કૃતિક વિરાસતને પુનઃ જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા મકરસંક્રાંતિ બાદ જન્મભૂમિનિધિ સમર્પણ અભિયાનનો શુભારંભ થઈ ચૂકયો છે. ન્યાસના આ પ્રયત્નમાં શ્રી ભારત માતા મંદિર દ્વારા અલ્પશી આહુતિ આપવાના હેતુસર તા.૧-ર થી તા.૧૩-ર દરમિયાન રૂા.૧૩ લાખ એકત્રિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.