રાજપીપળા

રાજપીપળા કરજણ સિંચાઈ યોજના વિભાગ -૪ ના કાર્યપાલક ઈજનેર જે.ડી.વાઘેલા વિરુદ્ધ કર્મચારીઓએ ઉચ્ચ કક્ષાએ એવી રજુઆત કરી છે કે જે.ડી.વાઘેલા અમને માનસિક ત્રાસ આપે છે, ધાક ધમકી આપે છે.અમારાથી એમનો ત્રાસ સહન કરવાની થતો નથી જેથી અમારી સામુહિક બદલી કરી આપો.અત્રે એ ઉલ્લેખનીય છે કે જે.ડી.વાઘેલાને રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમિયાન ગેરવર્તણૂક કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી મળી હતી. રાજપીપળા કરજણ સિંચાઈ યોજનામાં કાર્યરત એ.એરૂ.મોતાવર, એ.એમ.તિવારી, કે.વી.ચૌહાણ, પી.સી.પટેલ, એલ.પી.હિંગોરાની, પી.સી.સોન, એચ.એન.લાડ, ડી.એસ.રાણા સહિતના કર્મચારીઓએ કાર્યપાલક ઈજનેર જે.ડી.વાઘેલા વિરુદ્ધ લેખિત ફરિયાદ વડોદરા સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર અને ગાંધીનગર અગ્રસચિવને કરી છે.પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જે.ડી.વાઘેલા વારંવાર આવેશમાં આવી જઈ કર્મચારીઓને અપશબ્દો બોલી ધાકધમકી આપે છે, અમને સસ્પેન્ડ કરવાની અને શારીરિક હાનિ પહોંચાડવાની ધમકી આપી માનસિક ત્રાસ આપે છે.આ મામલે કાર્યપાલક ઈજનેર જે.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે જેને કામ ન કરવું હોય અને ફક્ત બેસી જ રેહવું હોય એ લોકો જ મારી વિરુદ્ધ આવી રજૂઆતો કરે છે.મારી પર જે આક્ષેપો લગાવ્યા છે એના એમની પાસે કોઈ પુરાવા હોય તો રજૂ કરે.