દાહોદ, તા. ૩૦ 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે દાહોદ સહિત ચાર જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ-લોન્ચીંગ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના ૧૯૫૦૦ વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણની સહાય રાજય સરકાર કરશે. આ ઇ-લોન્ચીંગ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાના ઉપસ્થિત આદિવાસી ખેડૂતોને આ સહાય-કીટનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, રાજય સરકાર આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે. જિલ્લાના દરેકે દરેક ખેડૂતની આવક બમણી થાય એ માટે સહિયારા પ્રયાસથી આગળ વધવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી થાય એ માટે જે સ્વપ્ન સેવેલ છે તેને આપણે ચરીતાર્થ કરવાનું છે. આ માટે ખેડૂતો કૃષિ વૈવિધ્ય સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, આ યોજનાથી જિલ્લાના ૧૯૫૦૦ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણ સહાયનો લાભ મળશે. જે અંતર્ગત દરેક લાભાર્થી ખેડૂતને ૪૫ કિલો યુરીયા, એન.પી.કે. ૫૦ કિલો, એમોનિયા સલ્ફેટ ૫૦ કિલો, મકાઇ બિયારણ ૮ કિલો આપવામાં આવશે, જેની કિંમત રૂ. ૩૫૯૮ થાય છે. જેની સામે લાભાર્થીને રૂ. ૫૦૦ નો ફાળો આપવાનો રહે છે. આ ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર બિયારણથી ખેડૂત મબલક પાક મેળવશે અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

સાંસદ ભાભોરે ખેડૂતોને સમયસર બિયારણ મળી જાય એ માટે યોજના સાથે જોડાયેલા અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. સાથે કોરોના સંક્રમણના સમયમાં સામાજિક અંતર અને માસ્ક વગેરે નિયમોનું પણ ચુસ્ત પાલન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.