વડોદરા

કોરોના મહામારીને રોકવા માટે તંત્ર અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. એક તરફ વેક્સિનની તૈયારીઓ પણ શરૂ થઈ છે ત્યારે કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવાની જવાબદારી ધરાવતા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના અસંખ્ય કર્મચારીઓ ઓફિસમાં માસ્ક વગર હોવાનું કેમેરામાં ઝડપાયું હતું. એક ખાનગી ચેનલ દ્વારા બનાવાયેલા આ સમાચારને પગલે પાલિકાતંત્રમાં હડકંપ મચી ગયો હતો. હવે પાલિકા સત્તાવાળા કે પોલીસ એમની સામે શું પગલાં લે છે એ જાેવું રહ્યું!

પાલિકા અને પોલીસતંત્ર રોજેરોજ શહેરીજનોને માસ્ક નહીં પહેરવા બદલ મસમોટો દંડ વસૂલ કરે છે ત્યારે ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીના જુદા જુદા વિભાગોના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પણ માસ્ક વગર ઓફિસમાં બેસી કામગીરી કરતા હોવાનું કેમેરામાં આબાદ ઝડપાઈ જતાં અધિકારીઓ-કર્મચારીઓ ગેંગે-ફેંફેં થઈ ગયા હતા.

પાલિકાની સેન્ટ્રલ હેલ્થ ઓફિસર અને મેડિકલ રિએમ્બસમેન્ટ સેલ એટલે કે આરોગ્ય વિભાગમાં કેમેરો ચાલુ રાખી પહોંચેલી ખાનગી ચેનલની ટીમના કેમેરામાં કર્મચારીઓ માસ્ક વગર બેઠેલા નજરે પડયા હતા. એવી જ રીતે, ફૂડ એન્ડ સેફટીમાં મહિલા કર્મચારી અને લોબીમાં બેસતા પટાવાળાથી માંડી એકાઉન્ટ વિભાગના કર્મચારી, જમીન મિલકત શાખામાં કારકૂનો, અધિકારીઓ અને કામ અર્થે આવેલા શહેરીજનો પણ યોગ્ય રીતે માસ્ક પહેર્યા વગર ફરતા હોવાનું કેમેરામાં ઝડપાયા હતા.

ખુદ આરોગ્ય વિભાગમાં અનેક કર્મચારીઓ માસ્ક વગર કામ કરતા કેમેરામાં નજરે પડયા હતા. ફૂડ એન્ડ સેફટી વિભાગમાં પણ એવા જ હાલ હતા. આમ કોરોનાની ગાઈડલાઈનનું પાલન અને રોકથામ તેમજ સારવાર કરવાની જવાબદારી પણ જે તંત્ર પાસે છે એવા પાલિકાતંત્રમાં કર્મચારીઓ માસ્ક નહીં પહેરતાં હોવાથી કોરોનાનો ફેલાવો થઈ જાય એવી પરિસ્થિતિ હોવાનું ચિત્રણ ખાનગી ચેનલે કર્યું હતું જે સોશિયલ મીડિયા ઉપર અનેક લોકોએ નિહાળ્યું હતું.