શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. અનંતનાગ ક્ષેત્રના સિરહામામાં એન્કાઉન્ટર થયું છે. આ સમય દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો છે. સુરક્ષા દળોએ ઠાર માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વિસ્ફોટક સામગ્રી મળી છે. ગુરુવારે અહીં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, આજે પણ તે જ સ્થળે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

મળતી માહિતી મુજબ ગુરુવારે, સુરક્ષા દળોને અનંતનાગના સિરહામામાં આતંકવાદીઓની હાજરી વિશે બાતમીની માહિતી મળી હતી. તેના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને અનંતનાગના સિરહામા વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો. સુરક્ષા દળો સ્થળ તરફ પ્રયાણ શરૂ કરતાં જ ત્યાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

અનંતનાગ એન્કાઉન્ટરમાં મોડી રાત સુધી કોઇ આતંકવાદીના મોત અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આજે સવારે ફરી એકવાર અહીં એન્કાઉન્ટર શરૂ થયું. બંને તરફથી ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. હજી સુધી સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોનું ઓપરેશન હજી પણ ચાલુ છે.