આણંદ : પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારં માટેની નવી નીતિના પગલે આણંદમાં મોટાં માતાઓ કપાવાની શક્યતાને જાેતાં કોંગ્રેસની છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. બે દાયકા બાદ પુનઃ કોંગ્રેસમાં સત્તા કબજે કરવા થનગનાટ ઊભો થયો છે. વિધાનસભા ઇલેક્શન વખતે વિપક્ષના ઉમેદવારને જીતાડવા શાસકીય નેતાઓએ તે સમયે રચેલાં પડદા પાછળના ખેલનું પુનરાવર્તન પાલિકા ચૂંટણીમાં થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુભાયેલાં નેતાઓ દ્વારા સોગઠાં ગોઠવવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, બે દાયકા પૂર્વ આણંદ પાલિકામાં રચાયેલાં શકુની ખેલના કારણે ભાજપે સત્તા મેળવી હતી. એ પછી સતત બે દાયકા સુધી સત્તા ભાજપના કબજામાં છે. જાેકે, વર્ષ ૨૦૧૫ના પાલિકા જંગમાં ભાજપે નજીવી સરસાઈથી સત્તા મેળવી હતી. હવે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ઉમેદવાર પસંદગી મુદ્દે નવી રણનીતિની જાહેરાત કરાતાં આણંદ પાલિકા ચૂંટણીમાં ટિકિટ મેળવવા માગતાં કેટલાંય નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે, જેનાં પગલે કોંગ્રેસમાં પુનઃ સત્તા મેળવવા થનગનાટ ઊભો થયો છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની નીતિના પગલે જિલ્લા અને તાલુકાના જંગમાં ભાજપમાં અવઢવની સ્થિતિ

સોમવારના રોજ સી.આર.પાટીલ દ્વારા આગામી ચૂંટણી અંતર્ગત ટિકિટ આપવા મુદ્દે બનાવેલી નીતિ વિશે ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ હોવાના કારણે ઉમેદવાર મુદ્દે નવી નીતિ આવકારદાયક છે, પરંતુ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેદવાર પસંદ કરાતાં હોય ઢળતી ઉંમરના ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. આ વિસ્તારોમાં પક્ષની આ નીતિ પર ઉમેદવાર પસંદ કરવામાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ શકે છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું વર્ચસ્વ હોય ભાજપ માટે નવી નીતિ હેઠળ ઉમેદવારની પસંદગી પર કમઠાણ સર્જાવાની શક્યતા છે. જિલ્લા તથા તાલુકા પંચાયતના જંગ મુદ્દે પક્ષ દ્વારા જૂની નીતિ મુજબ ઉમેદવાર પસંદ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.