પાવી જેતપુર, ડભોઇ, બોડેલી, નસવાડી, રાજપીપીળા, તા.૧૬ 

પાવીજેતપુરમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની કોરોનાવાયરસ ના કહેરના કારણે ઓછી સંખ્યામાં સામાજિક અંતર સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ તાલુકા સેવાસદન ખાતે ખાતે મામલતદારની અધ્યક્ષતામાં યોજાયો હતો.કોરોના વોરિયર્સ, ક્લસ્ટર પ્રતિભાશાળી શિક્ષકો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને મામલતદારનાં હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

ડભોઇ : ડભોઇ તાલુકાનું યાત્રાધામ અને પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ કુબેરભંડારી મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસની એકાદાસી અને સાથે સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધણાં વર્ષો થી એકાદશી ના દિવસે કુબેરદાદા ના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવતા હોય છે. ત્યારે આજે એકાદશી ના દિવસે સ્વતંત્રતા દિવસ હોય સ્વતંત્રતા દિન ની ઉજવણી પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કુબેર મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

બોડેલી : બોડેલી તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિવિધ સરકારી અધૅસરકારી કચેરીઓ સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ધ્વજ વંદન નાં કાર્યક્રમો સાથે સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુ. હેતાક્ષી બારીયાના હસ્તે વંદન કરવામાં આવ્યું હતું. 

નસવાડી : નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના પટાગણ મા સરકારની કોરોના મહામારીની ગાઈડલાઈન હેઠળ ૭૪ માં સ્વતંત્રતાદિન ની ઉજવણી કરવમાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત ના સરપંચ ગીતાબેન તડવી દ્રારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રાજપીપળા : રાજપીપળા ખાતે ૧૫ મી ઓગષ્ટના દિવસે કોરોના કેહેર વચ્ચે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી.નર્મદા જીલ્લા કલેકટર મનોજ કોઠારીએ ધ્વજારોહણ કરી રાષ્ટ્રીય ધ્વજને સલામી અર્પી હતી.તિલકવાડા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારંભમાં તિલકવાડાના મામલતદાર અને એક્સિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી.કે.ડામોરે માસ્ક વગર ધ્વજવંદન કર્યું હતું.