ભરૂચ, તા.૩ 

ગતરોજથી કુવારીકાઓનો પ્રિય તહેવાર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની શુભ શરૂઆત થઈ છે. નાની બાળકીઓ પણ આ તહેવારની રાહ જોતી હોય છે. કુવારીકાઓ એકબીજાના સહકાર સાથે ભેગા થઈ વાસની ટોપલીમાં પાંચ જાતનું ધાન્ય ભેગું કરી તેનું જવારારૂપી બીજારોપણ કરતી હોય છે.

 નાની માસૂમ કુવારીકાઓ પણ પાંચ દિવસ સુધી ભુખ્યા રહી વ્રત કરે છે. ઘરમાં મુકેલ ટોપલીના જવારાની બાળકીઓ ભેગી થઈ સવાર સાંજ આરતી કરતી હોય છે. તેમજ મોટી કુવારીકાઓ શંકર ભગવાનના મંદિરે થાળ ભરીને જઇ શંકર-પાર્વતીની પૂજા અર્ચના કરી પોતાને મનગમતો ભરથાળ મળે તેવી કામના કરતી હોય છે. પણ કોરોના કહેરના કારણે સંક્રમણ ન ફેલાય તે અર્થે મંદિરોમાં પૂજા અર્ચના બંધ રાખેલ છે. તેવા સૂચક બોર્ડ મરેલા હોય છે.

છતાં કુવારીકાઓ દ્વારા મક્કમ મન બનાવી શિવ મંદિરો જઈ શિવલિંગ અને ઉમા પાર્વતીની પૂજા અર્ચના કરી હતી. તેમજ કેટલીક કુવારીકાઓ મંદિરમાં પ્રવેશ નિષેધ બાબતે સંકુચિત મન કર્યા વગર એક તગારામાં શિવલિંગ મૂકી પૂજા અર્ચના કરી પોતાના વ્રતને ખંડિત થવા દીધો ન હતો. જોકે કુવારીકાઓએ કોરોના દૂર ભાગે અને લોકોનું જીવન રાબેતામુજબ બને તેવી પણ ભગવાનને પ્રાર્થના કરી હતી. બાળકીઓમાં ઉત્સાહ જણાતો હતો.