દિલ્હી-

વિદેશ મંત્રી એસ જયશંકર આજે બે દિવસીય કતારની મુલાકાતે જશે. કતારની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન તેઓ તેમના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અલ થાની અને અન્ય મહાનુભાવોને મળશે. વિદેશ મંત્રાલયે જયશંકરની ખાડી દેશની મુલાકાતની જાહેરાત કરી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, "વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકરની આ પ્રથમ મુલાકાત હશે અને તેઓ તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત પારસ્પરિક હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે ભારત અને કતારે મહામારી દરમિયાન સંપર્કનું ઉચ્ચ સ્તર જાળવી રાખ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના રાજ્યના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણ વખત ટેલિફોન પર વાત કરી છે. કતાર સાત લાખથી વધુ ભારતીયોની યજમાની કરે છે. વર્ષ 2019-20માં દ્વિપક્ષીય વેપાર 10.95 અબજ ડોલર હતો. બંને પક્ષો ઊર્જા અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે.