અરવલ્લી : મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના સીઆરપી એફ જવાન છેલ્લા અગીયાર વર્ષથી ગુમ થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી હાથ નહી ધરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ જવાનની ભાળ મેળવી આપવા પરીવાર જનોએ ઉગ્રમાંગ ઉઠાવી છે.રેલ્લાવાડા ગામના ગરીબ પરિવારમાં જન્મેલા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા કોદરભાઇ ખુમાભાઇ ખાંટ ૧૯૯૨ની સાલમાં સી આરપીએફમાં ભરતી થયેલ અને ૨૦૦૯ની સાલમાં શ્રીનગર ખાતે નોકરી કરતા હતા. દરમ્યાન કોદરભાઇ ખાંટ ફરજ પર તેઓ માનસિક બીમાર થતાં તેઓને બટાલીયન દ્વારા સારવાર અર્થે નવી દિલ્હીની સીઆરપીએફ હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમ્યાન દવાખાનામાંથી ભાગીવ જઇ વતન રેલ્લાવાડા ખાતે આવ્યા હતા. વીસેક દીવસ કોદરભાઇ ઘરે રહ્યા હતા. જેથી તેમના ખાતાના માણસોથી નોકરી ઉપર મોકલી આપશો તેમ જણાવાયું હતું. જેથી કોદરભાઇ ખાંટ ફરજ પર જવા નીકળ્યા હતા. શામળાજી સુધી તેમનો પરિવાર મુકવા પણ ગયો હતો. પરંતુ થોડા દિવસોમાં કોદરભાઇના પરિવારને એક પત્ર આવ્યો કે કોદરભાઇ ફરજ પર હાજર ન થતાં તેમને ડીસમીસ કરાયા છે. સૈનિકના પરિવારને જાણ થાય છે કે કોદરભાઇ ગુમ થયા છે. કોદરભાઇને પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા અને એક દીકરી છે, પરંતુ કોદરભાઇ ગુમ થતાં પરિવારને પોતાનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું હતું. આ અંગે સૈનિકના પરિવારજનોએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં અને ગાંધીનગર સીઆરપીએફ હેડ કર્વાટર્સમાં ગુમ થવા અંગેની ફરિયાદ કરી હતી. પરંતુ સીઆરપીએફ વિભાગ અહીયા આવ્યા નહી હોવાનું રટણ કરી રહ્યો હતો.પોલીસ તંત્ર અને સીઆરપીએફ વિભાગ તરફથી ગુમ સૈનિક કોદરભાઇની તપાસ કરવામાં આવે અને તેમના વારસદારોનુ જીવન નિર્વાહ થાય તે માટે હકના નાણાં આપવામાં આવે તેવી માંગ સાથે તેમને શોધવા માટે તંત્રની ઢીલી નિતીથી પરિવારમાં રોષ વ્યાપ્યો છે.