દિલ્હી-

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ફરી એકવાર કહ્યું છે કે, ભારત સરકાર કૃષિ અધિનિયમના કેટલાક મુદ્દાઓમાં સુધારો કરવા તૈયાર છે. તેમને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વાતાઘાટો અને ખેડૂતોનું આંદોલન સમાપ્ત થાય તેવું ઇચ્છે છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડુતોને અપીલ કરી છે કે ખેડુતોએ આંદોલનનો અંત લાવવો જોઈએ અને તેમના ઘરે જવું જોઈએ, સરકાર તેમની માંગણીઓ અંગે સકારાત્મક નિરાકરણ માટે તૈયાર છે.

આ સાથે, તોમારે પૂર્વ કૃષિ પ્રધાન શરદ પવારના નિવેદનને આવકાર્યું છે. જેમાં એનસીપી નેતાએ કહ્યું છે કે, કૃષિ કાયદો બદલવાને બદલે તેના કેટલાક મુદ્દા બદલવા જોઈએ. તોમારે કહ્યું કે, શરદ પવાર એક અનુભવી નેતા છે અને ભૂતપૂર્વ કૃષિ પ્રધાન રહી ચૂક્યા છે. તેમના નિવેદનને સમર્થન આપતા, ભારત સરકાર કાયદાના કેટલાક મુદ્દાઓમાં ફેરફાર કરવા તૈયાર છે. ભારત સરકારે ખેડુતોના પ્રતિનિધિઓ સાથે 11 વાર વાત કરી છે અને આજે પણ આ સમસ્યા હલ કરવા તૈયાર છે.

'કાયદો પાછો ખેંચવાનો પ્રશ્ન જ નથી'

આ પહેલા ગ્વાલિયરમાં ગુરુવારે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાથી ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને તેમને પાછા ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો ખેડૂત સંગઠનો આ કાયદા સિવાય કોઈ અન્ય દરખાસ્ત લાવે તો કેન્દ્ર સરકાર વાત કરવા તૈયાર છે.

તોમારે કહ્યું, “કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે અને આ કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા 30 વર્ષોની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ તેમને બનાવવામાં પ્રયત્નો કરી રહી છે આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવા કૃષિ સુધારણા બીલ લાવવામાં આવ્યા હતા.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના ખેડુતો, સંગઠનો અને સંઘ આ નવા કૃષિ કાયદાના સમર્થનમાં છે. ખેડૂત સંઘે કેટલાક વાંધા ઉઠાવ્યા ત્યારે પણ ભારત સરકારે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. હવે પણ જો ખેડૂત સંઘના નેતાઓ કૃષિ કાયદાની જોગવાઈઓ સિવાય કેટલીક દરખાસ્તો લઇને આવે તો પણ સરકાર હંમેશા વાત કરવા તૈયાર છે.