વડોદરા : શેખ બાબુની લોકઅપમાં હત્યા સહીત અનેક વિવાદોમાં આવતું ફતેગંજ પોલીસમથકને જાણે ગ્રહણ લાગી ગયું હોય એમ એક પછી એક મોટા વિવાદોમાં સપડાઈ રહ્યું છે. શેખ બાબુની હત્યા એ જાણે ફતેગંજ પોલીસની મોટી ઉપલબ્ધી હોય અને મીર માર્યો હોય એવી રીતે એક વેપારીને ભાગીદાર સાથેના વિવાદમાં ઉઘરાણી માટે શેખ બાબુ જેવા હાલ કરવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે, પોલીસ કર્મચારીના સગા સાથે ભાગીદારીમાં થયેલા નાણાકીય વિવાદમાં ફતેગંજ પોલીસમથકના પી.એસ.આઈ ટાપરીયા પોતે ઉઘરાણી ક્લાર્કના રોલમાં આવી ગયા હતા અને ખાતરના વેપારીને ધમકીઓ આપવાનું શરુ કર્યું હતું. ફતેગંજ પોલીસમથકના આ પી.એસ.આઈની સતત દાદાગીરી અને માનસિક હેરાનગતિથી કંટાળીને વેપારીએ પોલીસ કમિશ્નરને પણ રજૂઆત કરી હતી. 

અગાઉ દીકરી ગુમ થયાના કિસ્સામાં તપાસ માટે આવેલા પિતા-પુત્રને મકાન વેચાણ અંગેના રૂપિયા ૨૨ લાખના વિવાદમાં ધાક ધમકી આપનાર ફતેગંજ પોલીસમથકના પી.એસ.આઈ એન.યુ ટાપરીયા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. અગાઉ પી.એસ.આઈ ટાપરીયાએ ગુમ થયેલી દીકરીને શોધવા માટે આવેલ પિતા-પુત્રને તેમના વિરુદ્ધ થયેલી અન્ય અરજીમાં ખોટી રીતે ફસાવવાની ધાક ધમકી આપીને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ કમિશનરને કરવામાં આવી હતી. જ્યારે, આ વખતે પી.એસ.આઇ એન.યુ. ટાપરીયાએ ગુરુવારે રીફાઈનરી રોડ પર આવેલી ઇશાનિયા ફ્લોરેન્સ ટાઉનશિપમાં રહેતા ખાતરના વેપારી મિતુલ દોશીને ભાગીદાર સાથેના વિવાદમાં ઉઘરાણી માટે ઉઘરાણી ક્લાર્ક બનીને પૈસા નહિ ચૂકવે તો શેખ બાબુ જેવા હાલ કરવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું હતું.

વેપારી મિતુલભાઈ દોશીએ પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, જીતુભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે છેલ્લા કેટલાક સમયથી નાણાકીય લેવડદેવડ બાબતે વિવાદ ચાલતો હતો. જે અંગે જીતુભાઈ પરમાર અમારા વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં પીએસઆઇ દ્વારા ખોટી રીતે હેરાનગતિ અને માર માર્યો હતો

વધુમાં તેઓએ ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અમને બોલાવીને ધાક ધમકી આપી હતી અને લેખિતમાં જબરજસ્તીથી ટાઈપ કરેલા તૈયાર નિવેદન પર સહીઓ કરાવી દીધી હતી અને જીતુભાઈની હાજરીમાં ૨૨ લાખ રૂપિયાની કબુલાત કરાવી હતી અને આના પૈસા તમે નહીં આપો તો તમને જેલના સળિયા પાછળ ધકેલી દઈશું તેમ કહી માર માર્યો હતો એટલું જ નહીં તો આ પૈસા નહીં આપો તો ઈલેક્ટ્રીક શોટ ખાવા તૈયાર રહેજો તેવી પણ ધમકી આપી હોવાનું જણાવ્યું છે.

રાત્રે ૧૨ વાગ્યે પીસીઆર વાનને વેપારીના ઘરે મોકલી!

સામાન્ય રીતે કોઈ મહત્વની ઘટનાની ફરિયાદ થઇ હોય ત્યારે જ રાત્રીના સમય દરમ્યાન પોલીસ આરોપીના ઘરે તપાસ માટે જતી હોય છે અને એ પણ મહિલા પોલીસને સાથે રાખીને. મિતુલ દોશીના કિસ્સામાં તો હજુ સુધી કોઈ ફરિયાદ થઇ જ નથી, ત્યારે માત્ર તેઓ ઘરે છે કે નહિ તે તપાસવા માટે પી.એસ.આઈ ટાપરીયાએ પીસીઆર વાનને તેઓના ઘરે મોકલી હતી. પી.સી.આર વાન લઈને આવેલ કોન્સ્ટેબલે મોડીરાત્રે તેમના ઘરનો દરવાજો ખટખટાવતા તેમના પત્ની અને બાળકો પણ ગભરાઈ ગયા હતા.

પીએસઆઇ ટાપરિયાની રિકવરી એજન્ટને પણ શરમાવે તેવી કામગીરી!

 અરજીના કિસ્સામાં બંને પક્ષોની વાત સાંભળીને કામગીરી કરવાને બદલે પીએસઆઇ ટાપરીયાએ રિકવરી એજન્ટોને પણ શરમાવે તેવી કામગીરી કરી હતી. મિતુલભાઈ દોશી સાથેની ટેલિફોનિક વાતચીતમાં પીએસઆઇ ટાપરીયાએ ૨૨ લાખની ચુકવણી કરવા માટે સમય લઇ આપવાની પણ ઓફર આપી હતી. જેના માટે તેમનું મકાન લખી આપવું પડશે અને જો તેમ છતાં પણ સ્થિતિ નહિ સુધરે તો તેમની વર્ના કારનાં ટી.ટી.ઓ ફોર્મ પર બળજબરીથી સહી કરાવી લેવાની ધમકી પણ

આપી હતી.