વડોદરા, તા.૨૩ 

ફતેગંજ પોલીસ મથકે પુછપરછ માટે લવાયા બાદ ગુમ થયેલા ૬૫ વર્ષીય શેખબાબુના પરીવારજનોએ હાઈકોર્ટમાં દાખલ કરેલી હેબીયસ કોર્પસને પગલે બુધવારે ફતેગંજ પોલીસને વડી અદાલતમાં હાજર રહી જવાબ આપવાનો છે. જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પરીવારજનોએ એક તરફ ભાર પૂર્વક એમના પિતાની પોલીસ મથકમાં જ હત્યા થઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે વકીલે સોમવારે ફતેગંજ પોલીસ મથકે આવી હાઈકોર્ટનો બુધવારે ઈમેલ મળ્યો છે કે નહી ખાત્રી કરી હતી. દરમ્યાન પંડયા બ્રિજ નજીક રહેતા એક મુસ્લીમ કોંગી અગ્રણી આખા મામલામાં શંકાસ્પદ ભુમિકા ભજવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

તેલગાના રહીશ બાબુ શેખ નિશાર અમદાવાદ ખાતે રહેતા હતા અને વડોદરા ટ્રેન મારફતે આવી સાયકલ ઉપર ફેરી ફરતા હતા. ગત ૧૦મી ડિસેમ્બરના રોજ એસ.ટી. ડેપો પાસેથી ફતેગંજ પોલીસ મથકના ત્રણ ડીસ્ટાફ જવાનો પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાર બાદ એ ગુમ થયા હતા.

પરીવારજનોએ વારંવાર વડોદરા આવીને કરેલી તપાસ દરમ્યાન ફતેગંજ પોલીસે એમને જણાવ્યું હતું કે શેખબાબુને પુપરછ માટે લાવ્યા હતા પરંતુ બાદમાં એમને છોડી દેવાયા હતા. પરંતુ એમનું નિવેદન લીધુ કે નહીં કયા ગુનામાં પુછપરછ માટે લવાયા હતા એની વિગતો હજી સુધી પરીવારજનોને અપાઈ નથી.પુત્ર સલીમે પિતા શેખ બાબુ સ્ટેશનને ઉતરી ને ડેપોની બાજુમાં આવેલી જગદીશ ફરસાણ ઉપર નાસ્તો કરતા અને ત્યાંથી બે બાઈક ઉપર આવેલા પોલીસ જવાનો એમને પુછપરછ માટે લઈ જતાં સીસીટીવી ફુટેજ મેળવ્યા બાદ સયાજીગંજ પોલીસે ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી. પરંતુ યોગ્ય તપાસ નહીં થતાં ફતેગંજ પોલીસ મથકે આર.ટી.આઈની અરજી કરવામાં આવી હતી. જેનો યોગ્ય જવાબ નહી અપાતા શેખ પરીવારે પો.કમીને રુબરુ મળી રજુઆત કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.

અત્યાર સુધી એ.સી.પી. પરેશ ભેસાંણીયા એ.સી.પી. સંદીપ ચૌધરી તેમજ ક્રાઈમ બ્રાંચના એ.સી.પી.એ પણ આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં પી.આઈ. બે પી.એસ.આઈ અને ૬ જવાનોના નિવેદનો લીધા હતા પરંતુ તપાસ કોઈ ચોકકસ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી.

થાકેલા હારેલા શેખ પરીવારે અંતે પિતાને શોધવા હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરતાં વડી અદાલતે વડોદરા પોલીસને તપાસના કાગળો સાથે બુધવારે હાજર રહેવાની સુચના આપી હતી. જેના પગલે ઉતાવળે બધા કાગળો શોધવાની કવાયતમાં ફતેગંજ પોલીસ લાગી હતી.

મુસ્લીમ કોંગી અગ્રણીની શંકાસ્પદ ભુમિકા

પંડયા બ્રીજ નજીક રહેતા એક મુસ્લીમ કોંગી અગ્રણીએ આ મામલામાં શંકાસ્પદ ભુમિકા ભજવી રહ્યા છે. શેખ પરીવારના વકીલને આખી ઘટના પરીવારજનોએ ઉજાવી કાઢી હોવાનું જણાવે છે. જયારે ગુમ થયેલા શેખ બાબુના પુત્રને ફોન કરી હુ તમારી સાથે છુ તમને મદદ કરીશ તમે એક વાર વડોદરા આવો એમ ફોન કરી જણાવી રહ્યા હોવાની માહીતી પ્રાપ્ત થઈ છે જેને લઈ એમની શંકાસ્પદ ભુમિકા છતી થઈ રહી છે.