ગાંધીનગર-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ માર્ગદર્શન આપવા દેશના 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપી હતી.

ગુજરાતમાં 55 હજાર બેડ ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે પપ હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી ૮ર ટકા એટલે કે ૪પ હજાર જેટલા બેડ હજુ પણ ખાલી એટલે કે સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. કોરોનાના વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે. ધન્વતરી રથ ડોર સ્ટેપ - ઘર આંગણે ઓ.પી.ડી. સેવા ઉપલબ્ધ કરાવે છે. શરદી, ખાંસી, તાવ, બી.પી અને ડાયાબિટીસના દરદીઓને આ રથ મારફતે સારવાર સેવા આપવામાં આવે છે. RT–PCR અને Rapid Antigen ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો છે.