અમદાવાદ-

રાજ્યમાં આઠ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 3 નવેમ્બરના રોજ આઠ બેઠકો પર મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોરોના કોલર ટ્યુન બંધ થયા પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં નવરાત્રી અને અન્ય તહેવારોમાં લોકોને સુરક્ષિત રહેવા બાબતે જાગૃત કરવાની કોલર ટ્યુન શરૂ થતાં કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે ચૂંટણીના માહોલ વચ્ચે આ કોલર ટ્યુન શરૂ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ટેલિકોમ કંપની સામે પગલાં લેવા ચૂંટણીપંચને રજૂઆત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી અને તેમને કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાના કારણે આ બધા પ્રયાસો કરી રહી છે અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી તેવુ જણાવ્યું હતું. 

કોંગ્રેસે ચૂંટણીપંચમાં કરેલી ફરિયાદ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મને નવાઈ લાગે છે કે, કોંગ્રેસ ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે તેમની પાસે કોઈ મુદ્દા નથી. કોલર ટ્યુનમાં કોઈ પણ જગ્યાએ પ્રચારને સ્થાન નથી. મારું નામ પણ નથી બોલતો ખાલી મારો અવાજ છે. કોરોનાની મહામારી વખતે ફક્ત ઉત્સવો અને નવરાત્રીમાં આપણે સાવચેતીના પગલા તરીકે લોકોને સજાગ કરવા માટેનો મારો અવાજ છે. આ કોલર ટ્યુનને અને ચૂંટણીને શું લાગેવળગે પરંતુ કોંગ્રેસની આ કાર્યપદ્ધતિ રહી છે. આવા ખોટા-ખોટા વિવાદો કરવામાં કોંગ્રેસને બધા વચ્ચે જઈ શકાય તેમ નથી, સાચી વાત લોકો સાથે કરી શકે તેમ નથી, એટલે આ બધું કોંગ્રેસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પેટાચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પણ અલગ-અલગ જગ્યા ઉપર ભાજપ કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ રહી છે અને બંને પક્ષો પોતપોતાના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થયો છે. ત્યારે કોઈને કોઈ સવાલ પર કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બે દિવસ પહેલા CM રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ગયા હોવા મામલે કરેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું અને હવે કોલર ટ્યુન મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.