શ્રીનગર-

જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને ત્યારબાદ તેમના નિકાહ મોટી ઉંમરના બીજા ધર્મના વ્યક્તિ સાથે કરી દેવાયા. આ મામલે શિરોમણી અકાલી દળના નેતા મનજિન્દર સિહ સિરસાએ શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું.

સિરસાએ શીખ સમુદાયના એક ડેલિગેશન સાથે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાની પણ મુલાકાત કરી અને ધર્મ પરિવર્તનના આ મામલાની જાણકારી આપી. ઉપ રાજ્યપાલ તરફથી ભરોસો વ્યક્ત કરાયો છે કે જલદી તે યુવતીઓની પરિવારમાં વાપસી કરાવવામાં આવશે. સિરસાએ આ મુલાકાત બાદ કહ્યું કે બે યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના નિકાહ કરવામાં આવ્યા. આ કિસ્સા બાદ શીખ યુવતીઓની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો છે. આ કારણે ઉપ રાજ્યપાલને હસ્તક્ષેપની અપીલ કરાઈ છે.

ઉપ રાજ્યપાલને મળીને મનજિન્દર સિંહ સિરસાએ એક કાયદાની પણ માગણી કરી છે જેથી કરીને ધર્મ પરિવર્તનના આવા મામલાઓ પર રોક લગાવી શકાય. આ ઉપરાંત રાજ્યમાં એક લઘુમતી આયોગની રચનાની પણ માગણી કરવામાં આવી જેના પર તેમણે સહમતિ વ્યક્ત કરી છે. ઉપ રાજ્યપાલે સિરસાને આ મામલે કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે.

મનજિન્દર સિંહે આ મામલે કેન્દ્ર સરકાર પાસે પણ મદદની ગુહાર લગાવી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના ચીફ સિરસાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે હસ્તક્ષેપ કરવો જાેઈએ અને શીખ યુવતીઓની સુરક્ષા માટે જેમ બને તેમ જલદી એક કાયદો લાવવો જાેઈએ.