અમદાવાદ-

રાજ્યમાં હાલ તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાનને અડધો દિવસ પૂર્ણ થઇ ગયો છે. બપોરે એક વાગ્યા સુધીમાં અંદાજે 29 ટકા મતદાન નોંધાયું છે. બપોરે ગરમી હોવા છતા મતદાન મથકો બહાર લાંબી લાઇનો લાગી છે. જો કે રાજ્યાના ચાર જિલ્લાના કેટલાક ગામડા છે જ્યાં સંપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

વલસાડ અહીં ઉમરગામ નારગોલ ખાતે મતદારો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણપણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ચૂંટણી અધિકારીઓ દ્વારા લોકોને વિવિધ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે 11.30 વાગ્યા સુધીમાં એકપણ મત પડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આ ગામમાં અંદાજે 1200 મતદારો છે.

તો ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. ગામમાં મતદાન મથક પર સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરાઇ હોવા છતા એકપણ ગ્રામજન મતઆપવા આવ્યો ન હતો. કેસર ગામના લોકોનું કહેવું છે કે ગામમાં એકપણ વિકાસના કામ થયા નથી. અમારું ગામ ઇટકલા ગ્રામ પંચાયત અંતર્ગત આવે છે. અમારા ગામમાં સસ્તા અનાજની દૂકાન નથી, બે નદીને જોડતો પૂલ ન હોવાને કારણે બાળકો જીવના જોખમે નદી પાર કરી અભ્યાસ કરવા જાય છે. અનેક રજૂઆત છતા આજદીન સુધી કોઇ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

આવી જ રીતે છોટાઉદ્દેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામના લોકોએ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી છે. ગ્રામજનોની માગણી છે કે તેમના ગામને ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે. બપોરે એક વાગ્યા સુધીમાં એકપણ વ્યક્તિ મત આપવા આવ્યો ન હતો. આ સિવાય ભુજ તાલુકાનું વધુ વસ્તી ધરાવતું દેશલપુર ગામના લોકોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. અહીં વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવામાં આવી છે જેના વિરોધમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીની આગલી રાત સુધી આ ગામના લોકોને સમજાવવા અનેક ટોચના નેતાઓએ ધક્કા ખાધા હતા.