મુંબઈ -

મુંબઈના ભંડારામાં શુક્રવારની મધ્યરાત્રી પછી આશરે બે વાગ્યાની આસપાસ હોસિપટલમાં આગ લાગતાં ૧૦ બાળકો ભૂંજાઈ જઈને મોતને ભેટ્યા છે. મોતને ભેટનારા કમનસીબ બાળકોમાં એક દિવસના બાળકોથી માંડીને ત્રણ વર્ષ સુધીની ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. આગ લાગવાનું કારણ શોર્ટ સરકીટ ગણાવાય છે. જીલ્લા કલેક્ટર સંદીપ કદમ, એસપી વસંત જાદવ, એએસપી અનિકેત ભારતી અને સિવિલ સર્જન પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોગ્ય નિર્દેશક સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા જવા રવાના થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીર નોંધ લેતાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના આરોગ્યમંત્રી સાથે વાત કરીને સમગ્ર ઘટનાની તપાસ કરવાના આદેશો પણ આપી દીધા છે. 

ડો પ્રમોદ ખંડાતેએ કહ્યું હતું કે, બિમાર નવજાત બાળકોની સંભાળ માટેના એકમ યાને એસએનસીયુમાં મળસ્કે ૨ વાગ્યે આગ લાગી ગઈ હતી. આગમાંથી સાત બાળકોને બચાવી લેવાયા હતા, પણ અન્ય ૧૦ બાળકોનું મોત થયું છે. પોલીસે સમગ્ર હોસ્પિટલની કાર્યવાહી તત્કાળ ધોરણે બંધ કરાવીને ઘટતી કાર્યવાહી શરુ કરી છે, જ્યારે સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ આ ઘટનાને કમનસીબ ગણાવતા જણાવ્યું હતું કે, ગૂંગળાઈ જવાથી મોત પામેલા બાળકોનું પોસ્ટમોર્ટમ નહીં કરાય. આ દુર્ઘટના પાછળ જવાબદાર દોષિતોને પકડીને તેમને સજા કરવામાં આવશે.