નવી દિલ્હી-

દેશના પૂર્વ એટૉર્ની જનરલ સોલી સોરાબજીનુ નિધન થઈ ગયુ છે. તેઓ 91 વર્ષના હતા. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 91 વર્ષીય સોલી સોરાબજી કોરોના વાયરસથી સંક્રમિત હતા. ઘણા દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. સોલી સોરાબજીનુ શુક્રવારે(30 એપ્રિલ) 91 વર્ષની વયે નિધન થયુ. રિપોર્ટ મુજબ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને દિલ્લીની એક હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. જો કે પરિવારવાળાએ હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યુ નથી. તેઓ કોવિડ-19 પૉઝિટિવ હતા કે નહિ તેની પણ પુષ્ટિ થઈ શકી નથી.

સોલી સોરાબજીએ 1953માં બૉમ્બે હાઈકોર્ટમાં પોતાની કાનૂની પ્રેકટીસ શરૂ કરી હતી. 1971માં તેમને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 1989થી 90 સુધી ભારતના એટૉર્ની જનરલ બન્યા. ત્યારબાદ 1998થી 2004 સુધી એટૉર્ની જનરલ રહ્યા હતા. સોલી સોરાબજીને 1997માં નાઈજીરિયા માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રેપરોર્ટરી પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સોલી સોરાબજી 1998થી 2004 સુધી માનવ અધિકારીના સંવર્ધન અને સંરક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્ર ઉપ આયોગના સભ્ય અને બાદમાં અધ્યક્ષ બન્યા હતા. સોલી સોરાબજીને માર્ચ 2002માં ભારતમાં બીજુ મોટુ નાગરિક સમ્માન - પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સોલી સોરાબજી ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ચેમ્પિયન હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં ઘણા ઐતિહાસિક કેસોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે.