વડોદરા, તા.૨૯

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં એસકેએસડી જૈન એકેડેમી વરસોથી જૈન દર્શનને લગતા વિવિધ કોર્સ ચલાવે છે જે ગુજરાતની તમામ યુનિ.માંથી ફક્ત એમ.એસ.યુનિ.માં જ આ કોર્સ ચાલે છે. ગત વરસે વલ્લભસૂરિ મ.સા.ની ૧૫૦મી જન્મ સાર્ધ શતાબ્દિની ઉજવણી માટે યુનિ.એ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું, ત્યારે ગચ્છાધિપતિ આ.ધર્મધુરંધરસૂરિ મ.સા.એ યુનિ.ને એસકેએસડી જૈન એકેડેમી માટે જૈન ભવન બનાવી આપવા જણાવ્યું હતું તેથી યુનિ.ની સિન્ડિકેટે ગઈકાલે જગ્યાની ફાળવણી સંસ્કૃત મહાવિદ્યાલયની બાજુમાં કરતાં આજે મંત્રોચ્ચાર શાંતિપાઠ અને નવકારમંત્રનું ઉચ્ચારણ કરી આ.ધર્મધુરંધરસૂરિ મ.સા. અને આ.વિદ્યુતરત્નસૂરિ મ.સા. અને સાધ્વીજી-ભગવંતોના અભિમંત્રિત વાસક્ષેપ દ્વારા શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો હતો.

જૈન અગ્રણી અને પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે યુનિ. પોતે પોતાની જરૂરિયાત જણાવશે પછી યુનિ.ની કમિટી અને ભવન નિર્માણ કરનાર શ્રી આત્મવલ્લભ રત્નયાયી આરાધના ટ્રસ્ટના જયદીપભાઈ શાહ અને બંને કમિટી બેસીને એક નક્કર પ્લમ બનાવશે અને બાંધકામ ઝડપી કરવામાં આવશે. ચાન્સેલર શુભાંગિની રાજે ગાયકવાડે જૈન સાધુઓ સાથે સયાજીરાવ ગાયકવાડનો સંબંધ અને જૈન દર્શન વિશે પ્રેરક વાતો કરી હતી અને વડોદરાની એમ.એસ.યુનિ.ના જ્ઞાનભંડાર અદ્‌ભુત દસ્તાવેજાે સામેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રામજન્મભૂમિને કોર્ટ કેસમાં પણ ત્યાં સંઘરાયેલા દસ્તાવેજી પુરાવા સુપ્રીમ કોર્ટમાં રજૂ થશે તે પ્રતિપાદિત થયું હતું કે આ રામજન્મભૂમિ આમ આટલા મોટા આંદોલનને મુકામ સુધી પહોંચાડવામાં એમ.એસ.યુનિ.નું મોટું યોગદાન છે તેમ જણાવ્યું હતું. ગુરુદેવનો આ કાર્ય માટે આભાર માન્યો હતો અને જૈન એકેડેમી હજુ પણ વધારે સારી રીતે સમાજની શૈક્ષણિક જરૂરિયાતોને પૂરી કરવા સંપૂર્ણ સહયોગ કરશે તેમ જણાવ્યું હતું.