વડોદરા, તા.૨૬ 

કોરોનાના વિષચક્રમાં આજે વધુ ચાર દર્દીઓ મોતના ખપ્પરમાં હોમાયા હતા. જ્યારે ૪પ દર્દીઓના વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવતાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૨૦૮૭ પર પહોંચ્યો હતો, તેની સામે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૪૬૬ પર પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૫૯ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૪પ પોઝિટિવ આવ્યા હતા જ્યારે ૨૧૪ નેગેટિવ આવ્યા હતા. હાલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૫૭૧ દર્દીઓ પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સ્થિતર હોવાનું તેમજ ૧૨૧ દર્દીઓ ઓક્સિજન પર તેમજ ૩૨ દર્દીઓ ઓક્સિજન તથા બાયપેપ પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે કોરોનામાં મૃત્યુ પામેલા ચાર દર્દીઓને ડેથ ઓડિટ કમટી દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં ન આવતાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ૫૦ પર સ્થિર રહેવા પામ્યો છે.

આજવા રોડ કમલાનગર પાસે આવેલ સુદામા સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા બ્રાહ્મણ પરિવારના ૫૩ વર્ષીય વ્યક્તિને તાવ આવતો હોવાથી તેમને સારવાર માટે ગત તા.૧૨મીના રોજ પારુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાત્રિ દરમિયાન ગભરામણ શરૂ થતાં આઈસીયુમાં વેન્ટિલેટર ખાલી ન હોવાથી કારેલીબાગ શુકન હોસ્પિટલમાં શિફટ કરાયા હતા. જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવ્ય હતો. ટેસ્ટ રિપોર્ટ આવે એ દરમિયાન તેમને સમા-સાવલી રોડ પર આવેલ રીધમ હાર્ટ હોસ્પિટલમાં શિફટ કરાયા હતા. જા કે, રિધમમાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પાંચ દિવસની તેમની સારવાર ચાલી રહી હતી એ દરમિયાન એકાએક તબિયત લથડતાં તેમનું મોત નીપજ્યું હતું.

યાકુતપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા અને ભરતકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા બાવન વર્ષીય દર્દીને કોરોનાના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો ટેસ્ટ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો તે બાદ તેમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ સાથે યાકુતપુરામાં આવેલ હજરત એપાર્ટમેન્ટમાં રહેતા ૬પ વર્ષીય પુરુષને કોરોનાના લક્ષણો જણાતાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો તે દરમિાયન તેમનું મોત નીપજ્યું હતું.

જીએસએફસીમાં વધુ ચાર કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવતાં સંખ્યા ૧૪

વડોદરા, તા.૨૬

ગુજરાત સરકારના એકમ જીએસએફસી કંપનીના સિકયુરિટી વિભાગના વધુ ચાર કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવતાં કુલ સંખ્યા ૧૪ થઈ હતી. આમ કંપનીના સિકયુરિટી વિભાગમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બે સિકયુરિટી કર્મચારીઓના ધર્મપત્નીઓ પણ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ત્રણ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ફાયર અને માર્કેટિંગ વિભાગના કોરોનાના પોઝિટિવ કર્મચારીઓની સંખ્યા ગણતરીમાં લેવામાં આવે તો ગઈકાલ સુધીમાં પોઝિટિવ કર્મચારીઓની સંખ્યાનો આંકડો ૧૦ પર પહોંચ્યો હતો. આજે વધુ ચાર સિકયુરિટી કર્મચારીઓના કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતાં જીએસએફસી કંપનીમાં કોરોના ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને કર્મચારીઓમાં કોરોના વધુ ને વધુ ફેલાવાની દહેશતથી ફફડી રહ્યા છે. ત્યારે કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે કંપનીના સત્તાધીશોની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.આજે વધુ ચાર કર્મચારીઓના આવેલા કોરોના પોઝિટિવ કેસોમાં ૪પથી ૪૭ વર્ષ વચ્ચેના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં બે કર્મચારીઓ ફર્ટિલાઈઝરનગર, એક દશરથ ગામ અને એક નિઝામપુરા રોડ પર ડિલક્સ ચાર રસ્તા પાસે રહેતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ગઈકાલે પોઝિટિવ આવેલા બે સિકયુરિટી કર્મચારીઓના પત્નીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બોગસ મેસેજથી ઈલોરાપાર્ક વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી

વડોદરા :  હાલ ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વધુ ને વધુ આક્રમક બની રહ્યો છે અને લોકો કોરોનાથી ડરી રહ્યા છે. તેવા સમય-સંજાગોમાં કેટલાક ટીખળીખોર તેમજ વિકૃત આનંદ માણવા કેટલાક ઈસમો સક્રિય બન્યા છે અને લોકોમાં કોરોનાનો ડર ફેલાવવા માટે અફવાઓનું બજાર ગરમ કરી રહ્યા છે. આ ટીખળીખોર શખ્સો આજે શહેરના ઈલોરા પાર્ક વિસ્તારને ટાર્ગેટ બનાવી સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.ઈલોરા પાર્ક વિસ્તારમાં ૧૪ જેટલા દુકાનદારોને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો તેમજ ઘંટીવાળાની પત્ની કોરોનાને કારણે મૃત્યુ પામી હોવાથી ૧૦ દિવસ ઈલોરા પાર્ક તરફ ન જવા તેમજ ઈલોરા પાર્કને રેડ ઝોનમાં મુકી દેવામાં આવ્યો છે તેવો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. જેના પગલે શહેરવાસીઓ તેમજ ઈલોરા પાર્ક વિસ્તારના રહીશોમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી તેમજ શહેરમાં વહેતા થયેલા આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે, આ વાતમાં કોઈ તથ્ય નથી, કેસોમાં કોઈ પ્રકારનો વધારો થયેલો નથી તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને કોઈ પુષ્ટિ મળતી નથી તેમ જણાવી આ વિસ્તારના આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેએ મેસેજને ખોટા ગણાવ્યા હતા.