નડિયાદ, તા.૩ 

દર વર્ષે વિશ્વમાં ઓગસ્ટ માસમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦ માં થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે. તા.૧ થી તા. ૭ દરમિયાન આખું અઠવાડિયું માતાના દૂધ વિશે જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવશે.

નિષ્ણાત તબીબોનું કહેવું છે કે, જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ માસ સુધી ફક્ત સ્તનપાન અને ૬ માસ બાદ સમયસર ઉપરી આહારની શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે છે, જેનાં કારણે ઘણાં બાળકોનું જીવન બચાવી શકાય છે. આ સપ્તાહ દરમિયાન યોજાનારી ઝુંબેશમાં “અનોખા બંધન – એક કદમ પ્રકૃતિ તરફ” વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત લોકોમાં પ્રકૃતિનાં ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાનથી થતાં ફાયદા વિષે પ્રેરિત કરવામાં આવશે. આ ઉપરાંત આખા જિલ્લામાં તમામ સગર્ભાઓ જેની સંભવિત પ્રસુતિ તા.૧થી ૭ ઓગસ્ટ સુધીમાં હોય તેમજ આ અઠવાડિયામાં જન્મ લેનાર નવજાત બાળકોનાં કુટુંબને એક છોડ આપવામાં આવશે. બાળક અને છોડની સરખી માવજત કરવા માટે પણ સમજણ આપવામાં આવશે. 

કોરોના મહામારીને કારણે કોઈપણ પ્રકારના મેળાવડાં કર્યા વિના જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયા ઉપર જાેડાઈને તેમજ ટેલીફોનિક સંવાદનો વ્યાપક ઉપયોગ કરી સગર્ભા-ધાત્રી માતાઓ સાથે સંવાદ કરવામાં આવશે. પ્રસુતિ માટેની પૂર્વતૈયારી અને સ્તનપાનનું મહત્વ સમજાવાશે. સ્તનપાન સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. આ પ્રવૃતિઓમાં જિલ્લાકક્ષાના અધિકારીઓ દ્વારા લાભાર્થીઓ સાથે ટેલીફોનિક સંવાદ કરવામાં આવશે. સ્થાનિક રેડિયો દ્વારા ક્વિઝનું આયોજન તેમજ નિષ્ણાત દ્વારા સમજ આપવામાં આવશે. સ્થાનિક ટીવી ચેનલ ઉપર સ્ક્રોલિંગ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. ઉંબરે આંગણવાડી કાર્યક્રમ નિહાળવામાં આવશે. પાલકવાલી દ્વારા ટેલીફોનિક વાર્તાલાપ કરવામાં આવશે. તેમજ આ સપ્તાહ દરમિયાન જન્મેલા નવજાત બાળકોના ઘરે અને સગર્ભાના ઘરે વૃક્ષારોપણ કરવામાં આવશે.