વડોદરા, તા. ૧૭

વડોદરા શહેરમાં બંધાઈ રહેલા સૌથી લાંબા સાડા ત્રણ કિલોમીટરના ફ્લાયઓવર બાંધકામમાં રાજ્ય સરકારની પૂરતી સહાય નહીં મળતા કામગીરી વિલંબમાં મુકાઈ હતી પરંતુ તાજેતરમાં ટીમ વડોદરાએ મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ આજે રાજ્ય સરકારે આ બ્રિજની કામગીરી માટે હવે તબક્કાવાર રૂા.૧૦૦ કરોડની ગ્રાન્ટ મળતાં બ્રિજનું કામ હવે વહેલી તકે પૂર્ણ થશે. પાલિકા તંત્ર દ્વારા આગામી ૬ થી ૮ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ થશે તેમ જણાવ્યુ છે.

શહેરના ગેંડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના સૌથી મોટા બ્રિજના બાંધકામમાં સમય મર્યાદાના પગલે તથા નાણાકીય કટોકટી સર્જાતા વિવાદ ઉભો થયો છે. રૂા.૨૩૦ કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજ માટે સરકારે ૭૬ કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવ્યા બાદ સ્વર્ણીમની ગ્રાન્ટ કે સ્વભંડોળ માંથી બાકીની કામગીરી પૂરી કરવા જણાવતા પાલિકાનુ તંત્ર મુશ્કેલીમાં મુકાયુ હતુ.અને બ્રિજની કામગીરી ચાલુ રાખી સ્વર્ણીમ ગ્રાન્ટ માંથી રૂ. ૪૪ કરોડ નો ખર્ચ કર્યો હતો.અગાઉ કોંગી નેતાએ આ બ્રિજનો બાકી ખર્ચ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી કરવા સૂચન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે ત્રણ વર્ષમાં પૂર્ણ થનાર સેન્ટર સર્કલથી મનીષા ચોકડી સુધી નો બ્રિજ પાંચ વર્ષે પણ હજુ અધૂરો છે. પરિણામે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આજે મેયર,મ્યુનિસિપલ કમિશનર,અને સ્થાયી સમિતિના ચેરમેને બ્રિજના કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન મેયર કેયુર રોકડિયાએ જાહેરાત કરી હતી કે, રાજય સરકારે આ બ્રિજની આગળની કામગીરી માટે વધુ ૧૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે વધુ ૧૦ કરોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પેરેશન આપશે. આ બ્રિજ આગામી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી આશા વ્યક્ત કરી હતી.સાડા ત્રણ કિલોમીટર લાંબા આ બ્રિજ પર સાત જંક્શન છે અને ચાર જગ્યાએ વાહન લઇને ઉપરથી નીચે ઉતરી શકાય તેવી સુવિધા રાખવામાં આવી છે. આ સમગ્ર બ્રિજ પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહીં હોય.