ગુજરાત ખેડૂત સમાજના અગ્રણીને તેમના ઘરમાં નજરકેદ કરાયા!

વડોદરા, તા.૧૨ 

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન ગતિ પકડી રહ્યું છે. વિવિધ રાજ્યોમાંથી હજારો ખેડૂતો આંદોલનને સમર્થન આપવા દિલ્હી જઈ રહ્યા છે. ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ખેડૂત આગેવાન ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી વિપીન પટેલને પોલીસે તેમના ઘરમાં જ નજરકેદ કર્યા છે. જાે કે, વિપીન પટેલે જણાવ્યું હતું કે, આ ખેડૂતોનો અધિકાર મેળવવા અહિંસક લડત છે. જ્યાં સુધી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે.ખેડૂત આંદોલન હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. એમએસપીના મુદ્‌ે તેમજ નવા કૃષિ કાયદામાં અન્ય કેટલીક બાબતોને લઈને ખેડૂતો દેશભરમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો, દેખાવો યોજી રહ્યા છે. હજારો ખેડૂતો આંદોલનને સમર્થન આપવા માટે દિલ્હી જઈ રહ્યા છે. તા.૧૧મીના રોજ અમદાવાદ, ગાંધીનગર ખાતે ખેડૂત સંસદનું આયોજન કર્યું હતું. ત્યારે વડોદરામાં માંજલપુર ખાતે રહેતા ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી વિપીન પટેલને પોલીસે તેમના ઘરમાં જ નજરકેદ કરી ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉલ્લેખનીય છે કે તા.૧૦મીએ ગાંધી નગરગૃહ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે પણ તેમની તેમજ અન્ય ખેડૂત અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.ખેડૂત અગ્રણી વિપીન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચારથી પાંચ હજાર ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થઈ ચૂકયા છે અને હજુ પણ જઈ રહ્યા છે અને ખેડૂત આગેવાનોને નજરકેદ કરવાથી આંદોલન નબળું પડશે નહીં. અહિંસક માર્ગે જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution