ગાંધીનગર-

રાજ્યના યુવાનો માટે સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રને પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કર્યો છે. જેમાં 8 હજારથી વધુ નિમણૂંક પત્રો આપવામાં આવશે. આમ રાજ્યમાં ભરતી અને નિમણૂંક પ્રક્રિયા શરૂ થશે. પૂર્ણ થયેલી ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો આપવા આદેશ કરાયો છે. જ્યારે બીજી તરફ 5 મહિનામાં 20 હજારથી વધુ યુવાઓને નોકરીની તક મળશે. 

ઉલ્લેખનીય છે કે સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે કવાયત હાથ ધરી હતી. ભરતી પ્રક્રિયા મુદ્દે CM વિજય રૂપાણીએ પરીક્ષા પરિણામોની યાદી મંગાવી હતી. GPSCની 103 પેન્ડિંગ ભરતીના પરિણામોની યાદી મેળવવામાં આવી હતી. આ મુ્દ્દે ગઇકાલે GSSSBના અધ્યક્ષ અસિત વોરા સાથે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. સરકારી વિભાગમાં નોકરી માટેની ભરતી પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી ૮ હજાર જગ્યાઓના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના આદેશ કરવામાં આવ્યા છે.

સરકારી ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયથી આગામી પાંચ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે અને હવે આગામી સમયમાં વધુ યુવાનોને સરકારી વિભાગોમાં નોકરીઓ મળે તેનો માર્ગ પણ મોકળો કરવામાં આવ્યો છે.