નડિયાદ : અમેરિકાના આર્ટેસિયા સિટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. અહીં નબળાં અને મધ્યમવર્ગ પરિવારના બાળકોને રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં બાળકો પરિવાર સાથે પહોંચ્યા હતાં. અહીં ફરી એક વખત ચરોતરના ગુજરાતીઓએ સાચા અર્થમાં સાંતોક્લોઝની ભૂમિકા અદા કરી હતી. ખાસ કરીને સ્થાનિક અમેરિકન અને મેક્સિકન લોકો આ કાર્યક્રમને માણવા આવ્યાં હતા.  

મહત્વનું છે કે હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રણ સપ્તાહના લોકડાઉનની ગણતરીઓ મંડાઈ રહી છે ત્યારે આર્ટેસિયા સિટી કાઉન્સિલ અને લેબોન હોસ્પિટલિટી ગ્રૂપ તેમજ ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો. બાળકોના ચહેરાંઓ પર ગીફ્ટ મળ્યાંનો આનંદ જબરદસ્ત જાેઈ શકાતો હતો. આ આખી ઉજવણી વખતે કોવિડ-૧૯ના સ્થાનિક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. કેલિફોર્નિયા અને લોસ એન્જલસમાં લોકડાઉનની શક્યતા હોવાથી જાહેર થાય તે પહેલાં જ આર્ટેસિયા સિટી કાઉન્સિલ, લેબોન હોસ્પિટલિટી ગ્રૂપ અને ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આર્ટેસિયા સિટી કાઉન્સિલ કમ્યુનિટી હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર હોલને વિવિધ ડેકોરેશન કરીને શણગારાયો હતો. નાતાલનું ઝાડ, તોરણો, લીલાં રંગનાં વૃક્ષની સજાવટ પણ આકર્ષક લાગતી હતી. અહીં ૧૧૦૦૦ ડોલર ઉપરાંતના રમકડાં અને અન્ય ગીફ્ટનું વિતરણ કરાયું હતું. એક વ્યક્તિને સાંતાક્લોઝ બની હતી.

આ કાર્યક્રમમાં આર્ટેસિયા સિટી કાઉન્સિલના પૂર્વ મેયર અલીતાજ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત કાઉન્સિલમેન ટોની લીમ્બા અને રેને ટ્રેવીનો પણ હાજર રહ્યાં હતાં. પ્રી ક્રિસમસ પાર્ટીમાં બાળકોને યોગી પટેલ, ઇન્ડો-અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહ તેમજ ઉપસ્થિત કાઉન્સિલમેનના હસ્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું.