આણંદ, તા.૫ 

આણંદ ખેડા શહેર સહિત ચરોતરમાં આજે અયોધ્યા ખાતે રામજન્મભૂમિ પર ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણની શિલાન્યાસ વિધિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ચરોતરના વિવિધ રામમંદિરોમાં આરતી તેમજ બુંદીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. આણંદ શહેરમાં રામજી મંદિર ખાતે કાર સેવકોનું સન્માન પણ કરાયું હતું.

અયોધ્યા ખાતે રામજન્મભૂમિ પર રૂ.૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારાં ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ હતો. હિન્દુ સમાજમાં આનંદ અને ઉલ્લાસ પ્રવર્તી રહ્યો છે. આ અંતર્ગત આણંદ સહિત જિલ્લાભરમાં પણ આજે શ્રીરામ મંદિરના શિલાન્યાસ વિધિની ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી હતી. આજે બપોરે ૧૨ કલાકે આણંદ શહેરના જૂનાં શ્રીરામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામની આરતી ઊતારવામાં આવી હતી. અહીં કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર સેવા દરમિયાન શ્રીરામ જન્મભૂમિની કાર સેવામાં જાેડાયેલાં આણંદના ૧૫ જેટલાં કાર સેવકોનું સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આવી જ રીતે નવાં રામજી મંદિરમાં પણ ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણની આરતી ઊતારી શિલાન્યાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રોકડિયા હનુમાન મંદિર ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. બોરસદ શહેરના રામજી મંદિરમાં આજે આરતી ઊતારી બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં રામ મંદિરના નિર્માણને લઈને આજે હિન્દુ સમાજમાં આનંદ અને ઉત્સાહ જાેવા મળ્યો હતો. કારસેવકોમાં પણ ખુબ જ આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી હતી.

પેટલાદ ખાતે શહીદ નીલેશ દવેની ખાંભી પાસે હિન્દુ સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ ચાર સેવકોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં નીલેશ દવેની ખાંભીને પુષ્પાંજલી અર્પીને શ્રીરામનો જયઘોષ કરી કારસેવકે રામ મંદિરનો શિલાન્યાસ કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો.

સાંઈબાબા મંદિર ખાતે શ્રીરામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ દર્શન માટે મૂકી હતી. રામભક્તોએ દર્શન કરી અનેરી લાગણી વ્યક્ત કરી હતી. અહીં સાંજે સાડા પાંચ કલાકે શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામનામની રંગોળી તથા દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ હિન્દુ યુવાવાહિની ગુજરાત પ્રદેશ દ્વારા રાત્રે આઠ વાગ્યે વૈભવ કમર્શિયલ ખાતે આવેલાં કાર્યાલય ઉપર આતશબાજી અને મહાપૂજા-આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આણંદ અને નડિયાદ શહેર સહિત ચરોતરમાં રામમંદિરના ભૂમિપૂજન વખતે જ ગામેગામ રામધૂન, મહાપૂજા અને આરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રામજી મંદિર અને હનુમાનજી મંદિરોમાં વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં. હિન્દુ સમાજના ઈષ્ટદેવ ભગવાન રામની જન્મભૂમિ પર મંદિરના નિર્માણનું કામ સાકાર થતાં સૌ કોઈમાં ખુશી જાેવાં મળી રહી છે. રાત્રીના સાડા સાત વાગે ઘરે ઘરે દીવડા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા અધ્યક્ષ જયેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી ઉમેશભાઈ ઠક્કર તાલુકા અધ્યક્ષ હિતેશભાઈ, તાલુકા મંત્રી જગદીશભાઈ દવે, બજરંગ દળ સંયોજક આકાશ રાવ, પંકજભાઈ ગિલેટવાળા, સંદિપભાઈ શેઠવગેરે હાજ રહ્યાં હતાં. સોજિત્રા તાલુકામાં મલાતજ ગામે રામ મંદિરમાં ભજન-કિર્તન સહિત મહાઆરતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં લીધો હતો. 

૨૦૦૦ જેટલાં લોકોને બટાકા પૌવા - મીઠાઈનું વિતરણ

રામમંદિરભૂમિ પર ભવ્ય શ્રીરામ મંદિરના પૂજન ઉજવણીના ભાગરૂપે નવાં બસ સ્ટેન્ડ પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આણંદ ફૂડ કોર્ટના સહયોગથી ૨૦૦૦ જેટલાં લોકોને બટાકા પૌવા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.