ગાઝિયાબાદ-

ઉત્તર પ્રદેશમાં લોકોની અંગતપળોના વિડિયો અને ક્લિપ્સને હેક કરીને તેમને બ્લેકમેલ કરી તેમની પાસે કરોડો રૂપિયાની માંગ કરવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. 

આ ઘટનાની વિગત આપતાં અહીંના ડિએસપી અંશુ જૈને કહ્યું હતું કે, વસુંધરા કોલોનીમાં રહેતા એક યુવકે ફરિયાદ કરી હતી કે તેના પર ધમકીભર્યો ઈ-મેલ આવ્યો છે, જેમાં રૂપિયા 10 કરોડની માંગ કરવામાં આવી છે. રાજીવકુમાર નામ ધરાવતા આ યુવકને એવી ધમકી આપવામાં આવી હતી કે પૈસા નહીં અપાય તો તેની અંગતપળોનો વિડિયો અને ફોટો તેમજ અન્ય માહિતી વાયરલ કરી દેવામાં આવશે. 

પોલીસે આ બાબતે માહિતી એકઠી કરીને તપાસ આદરી છે. આ પ્રકારના ગુનામાં ભિન્ન કલમો ઉપરાંત 66ડી કલમ હેઠળ પણ કામ ચલાવાય છે. ફરિયાદમાં એમ પણ કહેવાયું છે કે, હેકરો ઘણા સમયથી તેના પરીવાર પર નજર રાખી રહ્યા હતા અને તેનું શોષણ કરી રહ્યા હતા. આ હેકરો કોણ છે, તેમને શોધીને ઝબ્બે કરવા માટે પોલીસે પોતાના સાયબર સેલના અધિકારીઓને કામે લગાડ્યા છે.