ગાંધીનગર-

વિક્રમ સંવતના નવા વર્ષમાં ગુજરાતની વિજય રૂપાણી સરકાર ફરીથી સરકારી નોકરીઓ માટે ભરતી શરૂ કરશે. નવા વર્ષમાં ૩૫ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી ગુજરાત સરકારે શરૂ કરી છે. આ પૈકી પોલીસ વિભાગમાં ૧૧ હજાર કરતાં વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત ૬ હજારથી વધુ શિક્ષકોની ભરતી કરાશે જ્યારે ૨ હજાર જેટલા કર્મચારીઓની ઉર્જા વિભાગમાં ભરતી કરવામાં આવશે એમ સરકારી સૂત્રોએ માહિતી આપી છે.

હાલમાં જીપીએસસીમાં અગાઉ મંજૂર થયેલી ૨,૨૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. જુદા જુદા ૧૬૦થી વધુ હોદ્દા માટે આ ભરતીઓ થઈ રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર થયેલી ૧,૨૦૦ કરતાં વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે. આ પહેલાં જાહેર કરાયેલી ૯૦૦ કરતાં વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. જીપીએસસીએ બહાર પાડેલી આરએફઓ,

ડીવાયએસઓ, જીએમડીસી વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ માટે કોઇપણ વિદ્યાશાખાઓમાંથી સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમજ પંચાયત, મહેસૂલ, વન વિભાગ, નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી આ વર્ષમાં કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પૂરો કરવા માટે પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.