દિલ્હી-

ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલમાં વિદર્ભનાં પશ્ચિમ ભાગોમાં લો પ્રેશર એરિયા બની રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ચેતવણી જારી કરતી વખતે, IMD એ કહ્યું છે કે આ વરસાદ 15 સેમીની આસપાસ પણ હોઈ શકે છે. વળી બીજી તરફ આસામમાં ભારે વરસાદનાં કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. આસામમાં સતત વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ફ્લડ રિપોર્ટિંગ અને ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમનાં રિપોર્ટ અનુસાર, 21 જિલ્લાનાં 950 થી વધુ ગામો પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. આસામમાં પૂર અને વરસાદને કારણે 3,63,135 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યએ 30 ઓગસ્ટ સુધી 44 રાહત કેમ્પ ખોલ્યા છે. જ્યાં પૂર પીડિતો આરામથી રહી શકે છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો આસામનો લખીમપુર છે. જ્યાં 1.3 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. મુંબઈમાં ઘણા વિસ્તારોમાં વરસાદને લઇને IMD એ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે મંગળવારે સવારે મુંબઈ અને આજુબાજુનાં વિસ્તારોમાં મધ્યમથી તીવ્ર વરસાદની આગાહી કરી છે. પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને મુંબઈ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.