વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટો અંતર્ગત સમગ્ર શહેરના નાગરિકોને મફતમાં વાઇફાઇ સુવિધાઓ પુરી પાડવાને માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટને માટે પાલિકાએ મફતમાં જગ્યાઓ પુરી પાડીને શહેરીજનોને મફત વાઇફાઇ સુવિધાઓ ઉપલબ્ધ બનશે એવું વચન આપ્યું હતું. વડોદરા ખાતે યોજાયેલા રાજ્ય સ્તરના ૧૫ ઓગસ્ટના સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. તેમજ જે તે સમયે મંચ પરથી મસમોટી લાળ દદળાવનારી જાહેરાતો કરીને શહેરીજનોને બહુ મોટા મોટા સ્વપ્ન અને આયોજનોના હથેળીમાં ચાંદ સ્માર્ટ સિટીના ડાયરેક્ટર મનીષ ભટ્ટ આણી મંડળી દ્વારા બતાવાયા હતા. પરંતુ શહેરીજનોને વાઇફાઇ સુવિધાને નામે માત્રને માત્ર અંગુઠો પકડાવી દેવામાં આવ્યો છે. જયારે આ વાઇફાઇને માટે પાલિકા પાસેથી સોનાની લગડી જેવી જમીનો મફતમાં લઈને અઢીસો જેટલા ટાવરો વિવિધ વિસ્તારોમાં પાલિકાની જમીનમાં ઉભા કરીને વિવિધ ટેલિકોમ્યુનિકેશનને સુવિધા પુરી પાડીને શહેરને મફત વાઇફાઇનો પ્રોજેક્ટ મેળવનાર ઈન્ડ્‌સ કંપની ભાડા પેટે કરોડો રૂપિયાનો એક તરફ નફો કમાઈ રહી છે. જયારે બીજી તરફ પાલિકાને અને શહેરીજનોને વાઇફાઇના નામે લોલીપોપ પકડાવી દેવામાં આવી છે. આમ વડોદરાને સ્માર્ટ સીટી બનાવવાના ભાગરૂપે ફરી વાઇફાઇ સુવિધાઓના નામે હાઈફાઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે. 

ટાવરો ઊભા કરીને કરોડોની કમાણી

વડોદરા સ્માર્ટ સીટી અંતર્ગત ઈન્ડ્‌સ કંપનીને શહેરમાં વાઇફાઇ ટાવરો ઉભા કરવાને માટેનો ઈજારો અપાયો હતો. જેમાં પાલિકાની જમીનમાં આ કંપની દ્વારા વાઇફાઇ સુવિધાઓ પુરી પાડવાને માટે ટાવરો ઉભા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એના બદલામાં કંપની દ્વારા શહેરીજનોને મફત વાઈફાઈની સુવિધાઓ પુરી પડાનાર હતી. પરંતુ આજ સુધી આવી કોઈ સુવિધા શહેરીજનોને ઉપલબ્ધ થઇ નથી. બલ્કે પ્રજાને સુવિધાઓ પુરી પાડવાના નામે કંપની પોતાના પાલિકાની જમીનો પર ઉભા કરેલા અઢીસો જેટલા આ ટાવરો અન્ય ટેલી કોમ્યુનિકેશન કંપનીઓને ભાડે આપીને કરોડોની તગડી કમાણી કરી રહી છે. જયારે પાલિકા તંત્રને આટલી બધી જમીનો આપી દીધા પછીથી પણ રાતી પાઈની આવક થતી નથી.

એસીબીમાં કૌભાંડનો પર્દાફાશ થઈ શકે

વડોદરા મહાનગર પાલિકામાં સ્માર્ટ સિટીને નામે થયેલા કૌભાંડોમાં શહેરીજનોને મફત વાઇફાઇ સુવિધાઓ પુરી પાડવાના નામેં થયેલા કૌભાંડોની જાે એન્ટી કરપશન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવે તો સ્માર્ટ સિટીના ડાયરેક્ટર મનીષ ભટ્ટ સહિતના ડાયરેક્ટરો અને અન્ય મોટા માથાઓના કરોડો રૂપિયાના કૌભાંડોનો પર્દાફાશ થાય એમ છે. પાલિકાને લોલીપોપ આપી કરોડોની કમાણી કરતી વાઇફાઇ ટાવરો ઉભા કરનાર કંપની સામે એસીબીની તપાસમાં ઘણી ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવશે એમ મનાઈ રહ્યું છે.