દાહોદ: દાહોદ શહેરના ગૌશાળા નજીકના ભીલવાડા વિસ્તારની આઝાદીના સાડા સાત દાયકા પછી પણ કાયાપલટ થઈ નથી. આઝાદીના સાડા સાત દાયકાના સમયગાળામાં દાહોદ નગરપાલિકામાં કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા. કેટલાય સત્તાધીશો બદલાયા. પરંતુ કોઈ પણ સત્તાધીશે આ વિસ્તારની ગંદકી દૂર કરવાનો કદીયે પ્રયાસ ન કરતા આ વિસ્તારની ગંદકીથી ખદબદતી હાલત જાેવા મળી રહી છે. આ વિસ્તારના પ્રવેશ દ્વારમાં જ રામદ્વારા મંદિર તેમજ મધ્યમાં વિશ્વકર્મા મંદિર એમ બે ધાર્મિક સ્થાનો આવેલા છે. અને આ બંને ધાર્મિક સ્થાનો પર દર્શન માટે આવતા ભાવિક દર્શનાર્થીઓને આવા દુર્ગંધ મારતી ગંદકી વાળા નર્કાગાર સમા ભીલવાડા વિસ્તારમાં થઈને મજબૂરીવશ નાકે રૂમાલ દબાવી જવું પડે છે. આ વિસ્તારની ગંદકી દૂર કરવા માટે કેટલીયે વાર અખબારી અહેવાલના માધ્યમથી સતાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં પાલિકાના કોઈપણ સત્તાધીશે આ વિસ્તારની હાલત સુધારવાના પ્રયાસો સુદ્ધા કર્યા નથી. તે ખરેખર આ વિસ્તારમાં રહેતા લોકોનું કમનસીબ કહેવાય. આ વિસ્તારમાં ગંદા અને દુર્ગંધ મારતા ગટરના ઉભરાઈને રોડ પર રેલાતા પાણીને કારણે સ્માર્ટ સિટી દાહોદની વરવી વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરતા ગંદકીના વરવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. પરંતુ કોઈને કોઈ કારણસર ગંદકીથી ખદબદતા આ સ્લમ વિસ્તારમાં આ સફાઈ ઝુંબેશ વિસરાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારના રહીશોના વોટ મેળવી દાહોદ પાલિકામાં કાઉન્સિલર પદ ભોગવી રહેલા આ વિસ્તારના ચારે કાઉન્સિલરોને આ વિસ્તારની સફાઈ કરવાનું કેમ વિસરાયું? અને આ વિસ્તારની સફાઈ ક્યારે? તેવા વેધક પ્રશ્નો આ વિસ્તારના રહીશો આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરોને પૂછી રહ્યા છે. ત્યારે આ વિસ્તારની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે હવે જાેવું રહ્યું !