અમદાવાદ-

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષીય સગીર ચિઠ્ઠી લખી ઘરમાંથી રૂ. ૬૦ હજાર લઈ ગુમ થયો છે. આ સગીરે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મોમ એન્ડ ડેડ, મેરે સિમ્પલ ફોન મેં એક રેકોર્ડિંગ હૈ, વો સુન લેના. બાય...ટેક કેર યોર સેલ્ફ...તેનાં માતા-પિતાએ દીકરાનું રેકોર્ડિંગ સાંભળી લીધું છે. એમાં સગીરે કહ્યું હતું કે તેને ભણવામાં રસ નથી અને તે કંટાળી ગયો છે, તેથી ઘરેથી નીકળી ગયો છે.

ત્યાર બાદ સગીરના પિતાએ પોતાના દીકરાના મિત્રની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે સવારે તેઓ ઘરેથી નીકળી દાબેલી અને વડાપાઉં ખાવા નીકળ્યા હતા. બાદમાં સાઇકલ પાર્ક કરી દિલ્હી જાઉં છું. રિક્ષામાં બેસી સગીર કાલુપુર રેલવે સ્ટેશન જવાનું કહીને નીકળી ગયો હતો. સમગ્ર બાબતને લઈને બાપુનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરની શોધખોળ હાથ ધરી છે.

ગુમ થયેલા સગીરના પિતા એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમનો ૧૫ વર્ષનો પુત્ર ધોરણ-૧૧ સાયન્સમાં બાપુનગરની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ નોકરીએ ગયા હતા અને ત્યાર બાદ તેમની પત્ની પણ નોકરીએ ગઇ હતી. ત્યારે તેમનો ૧૫ વર્ષીય પુત્ર ઘરે એકલો હતો. બપોરે બંને પતિ-પત્ની જ્યારે ઘરે આવ્યાં ત્યારે ઘરના મુખ્ય દરવાજાે લોક હતો. આ લોકની એક ચાવી તેમની પાસે તથા એક ચાવી તેમના પુત્ર પાસે રહેતી હતી, જેથી તેમને એવું લાગ્યું હતું કે તેમનો પુત્ર ટ્યૂશનમાં ગયો હશે અને આશરે પંદરેક મિનિટ બાદ તેમના દીકરાને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો.

દીકરાના રૂમમાં જઈને તપાસ કરતાં ટેબલ પર એક ચિઠ્ઠી મળી આવી હતી. ત્યાર બાદ આ ચિઠ્ઠી વાંચી પિતાએ દીકરાએ મોબાઇલમાં કરેલું રેકોર્ડિંગ સાંભળ્યું તો એમાં તેણે કહ્યું હતું કે "મને ભણવામાં રસ નથી, મારે ભણવું નથી અને હું કંટાળી ગયો છું, એટલે હવે પાછો નહીં આવું અને હું તથા મિત્ર અમે બંને સાથે જ છીએ. પિતાએ તેના દીકરાના મિત્રને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે બંને સવારે ૧૧ વાગ્યે તેમના ઘરેથી સાઇકલ લઈને નીકળ્યા હતા અને હીરાવાડી ચાર રસ્તા પાસે દાબેલી અને વડાપાઉં ખાધા હતા. સાઇકલ હીરાવાડી ખાતે આવેલા એક કોમ્પ્લેક્સમાં મૂકીને ગયા હતા. એ બાદ ૧૫ વર્ષીય સગીર દિલ્હી જાઉં છું એમ કહીને રિક્ષામાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જવા નીકળ્યો હતો, જેથી આ મામલે પિતાએ બાપુનગર પોલીસને જાણ કરતાં ૬૧,૫૦૦ રૂપિયા લઈને ઘરેથી નીકળેલા આ સગીરની શોધખોળ હાથ ધરી છે.