દુબઇ

ભારતની યુવા વિસ્ફોટક બેટ્‌સમેન શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની (આઈસીસી) મહિલા ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે ટીમના ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના ૭ મા અને જેમીમા રોડ્રિગ્સ આ બંધારણમાં ૯ મા સ્થાને છે.

મંગળવારે આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલી સૂચિ મુજબ બેટ્‌સમેનોમાં શેફાલીના ૭૪૪ રેટિંગ પોઇન્ટ છે. જે ટોચની ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ( ૭૪૮) કરતા ચાર પોઇન્ટ ઓછા છે.

તેના સિવાય માંધાના (૬૪૩) અને રોડ્રિગ્સ (૬૯૩) નું નામ પણ ટોપ ૧૦ માં સામેલ છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન (ત્રીજા સ્થાને), ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ (ચોથા) અને એલિસા હેલી (પાંચમા) એક-એક ક્રમે તેમની રેન્કિંગમાં સુધારો લાવ્યા છે. બોલરોની યાદીમાં દીપ્તિ શર્મા (છઠ્ઠા), સ્પિનર રાધા યાદવ (આઠમા) અને પૂનમ યાદવ (નવમા) ટોપ ૧૦ માં છે.

બોલરોની યાદીમાં ઇંગ્લેન્ડની સોફી એકલેસ્ટન (૭૯૯) પ્રથમ ક્રમે છે. તે પછી બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાના શબનીમ ઇસ્માઇલ (૭૬૪) છે. દીપ્તિ ઓલરાઉન્ડરોની ટોચની ૧૦ યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. તે ૩૦૨ પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ બાદ ભારતીય ટીમે આ ફોર્મેટની કોઈ મેચ રમી નથી. ટીમ હવે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી -૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમશે જે ૨૦ માર્ચે શરૂ થશે.